સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 11th October 2018

જીવન અંજલી થાજો.. મારૂ જીવન અંજલી થાજો.. ભાવવાહી ગીત સાથે...

જુનાગઢમાં સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા સુવર્ણ મહોત્સવની ભવ્યતાથી ઉજવણી

સંસ્થા અત્યારે ટોપ લેવલ ઉપર છે તે અમારા ચેરપર્સન પદમાબેન શાસ્ત્રીને આભારીઃ મીનાબેન ચગઃ સિલાઇ મશીનનું વિતરણ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

જુનાગઢ તા.૧૧: સેવાકીય રચનાત્મક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હંમેશા અગ્રીમ તેમજ વિશાળ સભ્ય સંખ્યા ધરાવતી સ્ત્રી નિકેતન સંસ્થાએ તાજેતરમાં પોતાના કાર્યકારી ૫૦ વર્ષ પુર્ણ કર્યા.

 

સંદેશ દૈનિકના સ્ત્રી સાપ્તાહિકના પ્રણેતા-મોભી સ્વ. શ્રીમતિ લીલાબેન પટેલે અમદાવાદ ખાતે મધ્યમવર્ગીય બહેનો માટે જીવનલક્ષી વિવિધ માર્ગદર્શન-મનોરંજન મળી રહે તે હેતુસર સ્ત્રી-નિકેતનની સ્થાપના કરી જેની એક શાખાનું આજથી ૪૦ વર્ષ પહેલા ૧૯૬૮માં જુનાગઢ ખાતે ઉદ્દઘાટન કરેલ. જે. આજે ૨૫૦ થી વધુ સભ્ય સંખ્યા ધરાવતી વટવૃક્ષ બની ગયેલ છે. સ્થાપક પ્રમુખ શ્રી ઉષાબેન બુચના માર્ગદર્શન હેઠળ સંસ્થા પ્રગતિ કરતી રહી. ત્યારબાદ સંસ્થાનું સુકાન હાલના સંસ્થાના ચેરપર્સન શ્રી પદમાબેન શાસ્ત્રીએ સંભાળ્યું. સતત ૫૦ વર્ષથી એટલે કે પાયાથી સંસ્થા સાથે જોડાઇ આજ ૮૮ વર્ષની જૈફવયે પણ માર્ગદર્શન આપતા રહે છે.

કાર્યક્રમના અધ્યક્ષ પ્રણેતા શ્રી હેમાબેન આચાર્ય નાદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત ન રહેતા સંસ્થા શુભ આર્શિવચનો પાઠવેલ. જયારે તે સ્થાને ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા અધ્યક્ષ શ્રીમતિ જયોતિબેન વાછાણી રહેલ.

ભુતપુર્વ મહાદેવ મંદિરના મહંત પૂ. શ્રી વસંગગીરીબાપુએ ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવેલ સાથે દિપ પ્રાગટય તથા સિલાઇ મશીન વિતરણ જાણીતા શિક્ષણવિદ, પ્રદેશ કન્વીનર મનપા ભાજપ શ્રી પ્રદિપભાઇ ખિમાણી, દાતાશ્રી હરસુખભાઇ વઘાસિયા, સત્યમ-સેવા મંડળના પ્રમુખશ્રી મનસુખભાઇ વાજા સમસ્ત લેઉવા પટેલ મહિલા મંડળના પ્રમુખ શ્રી પ્રીતીબેન વઘાસિયા વિગેરે દ્વારા કરવામાં આવેલ. મનપા મેયર શ્રીમતિ આદ્યશકિતબેન મજમુદારે પણ પાછળથી આવીને સંસ્થાને પ્રોત્સાહિત કરેલ.

આ સમારોહમાં અમારો મહામુલો પ્રસંગ હતો અમારા ચેરપર્સન શ્રી પદ્માબેન શાસ્ત્રીનું બહુમાન કરવાનો... જેમણે પોતાના જીવનના ૫૦ વર્ષ આ સંસ્થાને પોતાનું સંતાન ગણી બચપન થી માંડી, યુવાવસ્થા તથા હાલ એક અનુભવગ્રસ્ત અવસ્થાએ પહોંચાડી છે જે તેમની નાદુરસ્ત તબિયતના કારણે અમદાવાદ હોય આ કાર્ય અધુરૂ રહયું જે બીજા દિવસે સંસ્થાના વાઇસ ચેરપર્સન ખુદ અમદાવાદ જઇ તેમની સાથે સમય વિતાવી સન્માન કરેલ. અતિ ગંભીર માંદગી હોવા છતાં ભાવવિભોર બની સંસ્થાને દિલથી ખુબ ખુબ આશિર્વાદ પાઠવેલ.

બાદમાં કાર્યક્રમનું હાર્દ હતું ઇશ્વર પેટલીકર લિખિત નાટક 'લોહીની સગાઇ' સંસ્થાના ઉપ પ્રમુખ શ્રી રશ્મિબેન વિઠલાણી દ્વારા દિગ્દર્શીત આ નાટકે સમગ્ર ઓડિયન્સને સ્તબ્ધ કરી દીધેલ... રડાવી દીધેલ.. ''મંગુડી.. મારી મંગુડીના આર્તનાદ સાથે જયારે માતૃત્વ ખુદ સાન ભાન ગુમાવી દે છે ત્યારે ભલભલાની આંખમાં પાણી આવી ગયા. અસ્થિર મગજના મંગુડીના પાત્રને સંસ્થાના પ્રમુખ શ્રી ચેતનાબેન પંડયાએ બખુબી ભજવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધેલ.

નારીની સાથે રોહિણીબેન આચાર્ય દ્વારા ભાવવાહી એકપાત્રીય અભિનય, ગુજરાતની ઓળખ ગરબો તથા 'જીવન અંજલી થાજો' દિપ પ્રગટાવી મહેમાનો તથા કારોબારી સભ્યો દ્વારા અંજલી ગીતથી સંુદર માહોલ ઉભો થયો હતો.

વિશાળ શ્રોતાગણની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ ખુબ જ ભવ્ય રીતે પૂર્ણ થયેલ. સમગ્ર કાર્ય વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રી, હોદેદારો વિગેરેએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવેલ. મહેમાનોનું બુકે નહી બુક કૃષ્ણ વંદે જગતગુરૂ બુક દ્વારા સન્માન કરવામાં આવેલ.

સમગ્ર કાર્યક્રમ સંસ્થાના વાઇસ ચેરપર્સન શ્રી મીનાબેન ચગ તેમજ સલાહકાર શ્રી તરૂબેન ગઢિયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ. સંસ્થાની સમગ્ર કારોબારીએ આ કાર્યક્રમમાં ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને દૈદિપ્યમાન બનાવેલ. સંસ્થાના પ્રમુખ શ્રી ચેતનાબેન પંંડયા તથા મંત્રી શ્રી અનિતાબેન મોદી કાર્યક્રમની યાદી સાથે આભાર વ્યકત કરેલ.(૧.૮)

(12:18 pm IST)