સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 11th October 2018

જાલીનોટ કૌભાંડમાં છાડવાવદરના સપ્લાયર જતીન વાઘેલા સહિત પાંચ શખ્સોના વધુ રિમાન્ડ મંગાયા

જતીને કયાં કયાં જાલીનોટો ઘુસાડી તે અંગે રૂરલ એસઓજી દ્વારા તપાસઃ મુખ્ય સુત્રધાર હિમાંશુ ઝવેરી તથા અમરીશ પટેલ પ દિ'ના રિમાન્ડ પરઃ મુખ્ય સુત્રધાર અમદાવાદના હિમાંશુ ઝવેરી અને અમરીશ પટેલે પાંચ લાખની જાલીનોટો છાપી'તીઃ જે પૈકી રૂરલ પોલીસે ૩.૭૪ લાખની જાલીનોટો કબ્જે કરી બાકીની જાલીનોટો કયાં કયાં ઘુસાડી? તે અંગે તપાસનો ધમધમાટ

રાજકોટ, તા., ૧૧: પાટણવાવના છાડવાવદર ગામેથી જાલીનોટોનું કારસ્તાન પકડાયા બાદ ધોરાજી પંથકમાં જાલીનોટો સપ્લાય કરનાર જતીન વાઘેલા સહિત પાંચ શખ્સોની આજે વધુ રિમાન્ડ અર્થે કોર્ટેમાં રજુ કરાનાર છે. જયારે  ગઇકાલે  પકડાયેલ બે મુખ્ય સુત્રધારને કોર્ટે પાંચ દિ'ના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ પાટણવાવના છાડવાવદર ગામે રૂરલ ક્રાઇમ બ્રાન્ચે  દરોડો પાડી નવી ર૦૦૦ના દરની ૩૬ જાલીનોટ તથા પ૦૦ના દરની ૪ જાલીનોટ સાથે જતીન રસીકભાઇ વાઘેલા (રહે. છાડવાવદર), સાગર ઉર્ફે નુરી નાગજીભાઇ પરમાર (રહે. છાડવાવદર), વિમલ બિપીનભાઇ સોલંકી (રહે. શાપર, મૂળ ગામ માખીયાળા, તા. જી.જુનાગઢ), સંજય  પુનાભાઇ ચૌહાણ (રહે. નવાગઢ, જેતપુર) તથા ચિંતન ભરતભાઇ રાવલ (રહે. મોટી મારડ, તા. ધોરાજી)ને ઝડપી લઇ કોર્ટમાં રજુ કરતા પાંચેયને ૩ દિવસના રિમાન્ડ પર સોંપાયા હતા. આ પાંચેયના આજે રિમાન્ડ પુર્ણ થતા વધુ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે.

તપાસનીસ અધિકારી એસઓજીના પીઆઇ એમ.એન.રાણાના જણાવ્યા મુજબ  પકડાયેલ જતીન વાઘેલા તથા તેના સાગ્રીતોએ જાલીનોટો કયાં કયાં ઘુસાડી ? તે અંગે તપાસ કરવા પાંચેયના વધુ રિમાન્ડ મંગાશે. જયારે ગઇકાલે અમદાવાદથી પકડાયેલ મુખ્ય આરોપી હિમાંશુ કીર્તીભાઇ ઝવેરી તથા અમરીશ અરવિંદભાઇ પટેલને કોર્ટે પાંચ દિ'ના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.  જાલીનોટ છાપનાર આ ટોળકીએ અત્યાર સુધીમાં કુલ પ લાખની જાલીનોટો છાપી હતી. જે પૈકી પોલીસે ૩.૭૪ લાખની જાલીનોટો કબ્જે કરી છે. ધોરાજીના જતીન વાઘેલા અને મુખ્ય આરોપીઓએ કયાં કયાં નોટો ઘુસાડી તે અંગે તપાસ હાથ ધરાઇ છે. (૪.૩)

(11:56 am IST)