સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 11th October 2018

મોરબીમાં 'પાસ'ના કન્વીનર મનોજ પનારાને કથિત ધમકી પ્રકરણમાં કોંગી આગેવાન ઘનશ્યામ જાકાસણીયા પોલીસ સ્ટેશનમાં હાજરઃ તપાસના કાગળો બાકી હોવાથી અટકાયત ન કરાઇ

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ વિરૃદ્ધ પાસ કન્વીનર મનોજ પનારાએ નોંધાવેલ ફરિયાદને પગલે આજે કોંગી આગેવાન વિશાળ ટેકેદારવર્ગને સાથે રાખી તાલુકા પોલીસ મથકે હાજર થયા હતા પરંતુ તપાસનીશ અધિકારીએ હજુ તપાસના કાગળો બાકી હોઇ અટકાયત કરી ન હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પાસ કન્વીનર મનોજ પનારાની ઓડિયો કલીપ વાઇરલ કરી પોતાને જાનથી મારી નાખવાની ધમકી મામલે તાલુકા પોલીસ મથકમાં કોંગી આગેવાન ઘનશ્યામ જાકાસણીયા અને અજય સુરાણી વિરૃદ્ધ નોંધાવેલી ફરિયાદના પગલે આજે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ ઘનશ્યામભાઇ જાકાસણીયા મોરબી તાલુકા પોલીસ મતકમાં સામેથી હાજર થયા હતા. પરંતુ તપાસનીશ પોલીસ અધિકારી પીએસઆઇ એસ.એસ. ગોહિલે હજુ ફરિયાદ સંદર્ભે તપાસ બાકી હોઇ બન્ને આરોપીઓની અટકાયત કરી ન હતી.

ઉલ્લેખનીય છે કે, વિશાળ ટેકેદાર વર્ગને સાથે રાખી જાકાસણીયા પોલીસ મથકે હાજર થયા હતા ત્યારે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ગત તા. ૨૯ના રોજ મોરબીમાં પાસની સભા બાદ રાજ સંઘાણી નામના યુવાનને અકસ્માત નડતા તેઓએ આર્થિક મદદ કરતા આ બાબતની પોસ્ટ સોશ્યલ મીડિયામાં અજય સુરાણીએ મુકા મનોજ પનારાના પેટમાં તેલ રેડાયું હતું અને બેફામ ગાલી ગલોચ કરી હતી. જેથી આ મામલે તેઓ હાર્દિક પટેલના બગથળા ગામે યોજાયેલ કાર્યક્રમમાં ફરિયાદ કરવા પહોંચતા પોતાની પોલ છતી થશે તેવા ભયને કારણે મનોજ પનારાએ તેમના વિરૃદ્ધ ખોટી ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું.

પોલીસ મથકે હાજર થવા આવેલા ઘનશ્યામભાઇ જાકાસણીયા સાથે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો અને ટંકારા તેમજ મોરબીના પાસ કમિટીના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહેતા ભારે આશ્ચર્ય સર્જાયુ હતું. અંતમાં ઘનશ્યામભાઇ જાકાસણીયાએ ધારાસભાની ટિકીટ અને અન્ય બાબતોના આરોપોના છેદ ઉડાવી મનોજ પનારા વિરૃદ્ધ કાનૂની કાર્યવાહી કરનાર હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

(6:00 pm IST)