સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

રામ જ્ઞાનની અને ભરત વૈરાગ્યની આંખઃ પૂ. મોરારીબાપુ

જામનગરમાં 'માનસ ક્ષમા' શ્રી રામ કથાનો પાંચમો દિવસ : સંતો- મહંતોની ઉપસ્થિતિઃ પૂ.મોરારીબાપુએ ભોજન ખંડની મુલાકાત લીધી

જામનગરઃ પૂ.મોરારીબાપુના વ્યાસાસને આયોજીત રામકથાની તસ્વીર (તસ્વીરઃકિંજલ કારસરીયા.જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૧૧: છોટી કાશી ગણાતા જામનગરના આંગણે ચાલી રહેલી મોરારીબાપુની માનસ ક્ષમા રામકથામાં પાંચમા દિવસે જામનગર અને આસપાસના વિસ્તારો ઉપરાંત દેશ-વિદેશમાંથી કથા શ્રવણ કરવા શ્રોતાઓ ઉમટી પડ્યા છે.

માનસ ક્ષમા કથાના પ્રારંભે મોરારીબાપુએ ઉપલેટના લોકસાહિત્યકાર દેવરાજભાઈ ગઢવીની દુહા દ્રષ્ટાંત માળા નામની ૪૪ પાનાની પુસ્તિકાનું  વિમોચન કર્યું હતું. આ પુસ્તિકામાં પૂ.મોરારીબાપુ અને લાલદાસબાપુના આશીર્વાદ સાથે વિવિધ દુહાઓ અને તેના વિશેના અર્થ કરવામાં આવ્યા છે. આ પુસ્તિકામાં લોકસાહિત્યકાર દેવરાજભાઈ ગઢવીના દુહાઓ અને તેના અર્થ ઘટન દિનેશભાઇ માવલે કર્યું છે.વ્યાસપીઠ પરથી મોરારીબાપુએ આ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. આ વેળાએ લેખક દેવરાજભાઈ ગઢવી, દિનેશભાઇ માવલ, હરેશભાઇ સુરૂએ આશીર્વાદ પણ મેળવ્યા હતા.

માનસ ક્ષમા રામકથામાં મોરારીબાપુએ જણાવ્યું હતું કે, ભગવદ ગીતામાં ૭ વખત ક્ષમાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવાન સ્મૃતિકાળમાં પણ મળે છે.

પ્રત્યેક ઋષિ,મહાપુરુષોને પોતાની છબી, દર્શન હોય જ છે.

અંધજનની વાત કરતા મોરારીબાપુએ કહ્યું હતું કે,પ્રજ્ઞાચક્ષુને હાથી પાસે લઈ જઈને કહેતા જણાવ્યું કે, આ હાથી છે. જયારે અન્ય કેટલાક લોકોને હાથી પાસે લઈ જતા આવેલ વાતને યાદ અપાવી શાસ્ત્રને આંખ વાળાની ખૂબ જરૂર છે.તેમ વાત સમજાવી હતી. જાગૃત જેને દર્શન કર્યું છે.જાણ્યું છે. તેજ વ્યકિત તેની વ્યાખ્યા કરી શકે.

સૂર્ય,ચંદ્ર પ્રકાશના તત્વો છે.અને પ્રકાશમાં જ બધુ જોઈ શકાય. કઈ જયોત અખંડ છે. તેનો જવાબ રામ ચરિત માનસ માં આપ્યો છે. તે પ્રમાણે જણાવતા મોરારીબાપુએ જેનું નશીબ ઓલવા માટેનું છે. તે દીવાને પણ અગ્નિ આલવી નાખે છે. પણ જેનું નશીબ પ્રકાશ ફેલાવવાનું છે. તેને કોઈ બળવાની ચિંતા જ નથી.

ક્ષમા અંગેની વાત કરતા જામનગરની કથામાં મોરારીબાપુએ જણાવ્યું હતું કે, રામાયણ અને મહાભારતનો સંદર્ભ ટાંકતા વિનયની દીપ્તિ શરમાય શુ. ક્ષમા થી લઈને પ્રભુનું પિયરીયું સાધુતા છે.

સહનશીલતા, ક્ષમા અને દયાનું ઉદાહરણ આપતા ભગવાન શિવના તાંડવઃના સમયની વાત અને તેના પછી ભગવાન શિવની ભોળપણાની વાત કરી હતી.

જ્ઞાન અને વિરાગ બન્ને આંખ છે. દશરથને કૈકય વચ્ચેના રામાયણના પ્રસંગને લઈને કહ્યું હતું કે, રામ અને ભરતમાં કોઈ ફેર નથી. રામ જ્ઞાનની આંખ છે ભરત વૈરાગ્યની આંખ છે. લોકોએ જ્ઞાન અને વિવેક રાખવું જોઈએ. વિવેક કયાં દુનિયામાં છે. સાચા સાધુનો સંગ કરે તો વિવેક મળે.

મુસ્લિમ શાયરની વાત કરતા કહ્યું કે, મને જયારે જયારે અને જયાં સુખ મળે ત્યારે હું એકલો ન ભોગવું, બધાને વહેંચી દઉં. એવી પરવર્ધિગાર ભગવાન મને એવી સમજણ દે. ઉદાર ચરિતા નામૅં વસુદેવ કુટુંબકમ્. આ ભાવ લોકોએ જીવનમાં રાખવા મોરારીબાપુએ માર્મિક ટકોર કરી હતી.

સમજણ અને ત્યાગની બન્ને આંખોથી સંપૂર્ણ દર્શન થાય. તુલસીદાસજી માનસમાં કહે છે. બળભાગી જીવ છે. ગમે તેટલી પ્રિય વસ્તુઓ હોય અને ગરમ લાગે તો છોડી દઈ. બહારની આંખ બંધ હશે તો ચાલશે, અંદરની આંખ ખોલી દયો. સતસંગમાં સાંભળ્યું છે.તેમ અંતરની આંખો ખોલજો. પણ અધિકાર વગર ન દેખાય. ભોળો માણસ આવે તો કયારેક દેખાઈ જાય. સનાતન પરંપરાના દૂધથી વાલ્મિકી અને વ્યાસની આંખો મળી છે.

માનસ ક્ષમા રામકથામાં પૂ.મોરારીબાપુએ કહ્યું હતું કે, ભગવત ગીતા અને રામાયણના બન્નેના પાઠ ન કરો તો કઈ નહિ પરંતુ દર્શન અવશ્ય કરવા વ્યાસપીઠ પરથી લોકોને આહ્વાન કર્યું હતું. બન્ને ગ્રન્થો આપણી ભારતીય હિન્દુ ધર્મની પરંપરાની આંખો છે.તેવી મોરારીબાપુએ માર્મિક ટકોર કરી હતી.

ગુરુ વગર કોઈ પૂર્ણ દર્શન ન થાય. તેમ કહી મોરારી બાપુએ શ્રોતાઓને શ્લોકોનું પઠન કરવી દહોરાવ્યાં હતા. અને કહ્યું હતું કે, ઉતરવા ચઢવામાં આધાર જોઈએ. તેવી વાત કરતા પુરાતન નહિ સનાતન, સાસ્વત ધર્મને સાર્થક કરવા ધીરજવાન બની ક્ષમા ધારણ કરવી જોઈએ.

કબીર સાહેબને યાદ કરતા ધીરે-ધીરે ક્ષમા પદાર્થને સમજી શકાય.પતંજલિ યોગ શાસ્ત્રમાં પણ ધીરજ માટે કહેવામાં આવ્યું છે. ધૈર્ય ધારણ કરે તે અતિ આવશ્યક છે.

દંભ એટલે વિવેક પૂર્વકનું ન હોવું. માં-બાપ અને ગુરુની પ્રેરણાથી વિવેક મળે. આપણે જે કરીએ છીએ તેના પર ૧૦ સાક્ષીઓ હોય છે. રામાયણમાં કહેવા મુજબ દુષ્ટનો સંગ ન આપજે ભલે નરક મળે તેમ વાત કરતા ભારતના વડાપ્રધાનના ન્યુ ઇન્ડિયા, નવ ભારતની વાત કરતા યુવાનોને કોની સાથે બેસવું અને કોની સાથે ન બેસવું તેમ ભાન રાખવા મોરારીબાપુએ યુવાવર્ગને ટકોર કરી હતી. નવી પેઢીને સારા સંસ્કારો મળે તે માટે વડીલોએ પણ ધ્યાન રાખવાનું મોરારીબાપુએ જણાવ્યું હતું.

આજના આધુનિક યુગમાં પરંપરાગત માં બાપના ખોળા અને હાલરડાના ખોયા જતા આપણે દ્યણું ખોયું છે. શિવજીના હાલરડાની વાત કરતા સૌરાષ્ટ્રના ઝવેરચંદ મેદ્યાણી થી મહારાષ્ટ્ર સુધીની હાલરડાંની ગુંજને દોરી ગણાવી લોકોને પોતાના વારસાને નહીં ભૂલવા માર્મિકતાથી સમજાવ્યું હતું.

કોઈની વસ્તુ આપના નામે ચડાવવી એ વાંક છે. કથામાં કોઈપણ વાત કરું તો તે વાત જેની હોય તેનો અચૂક નામ સાથે કહું છું. અને એનું રટણ કરતા પણ એ વાત કરતા વાત કરનારનું દિલમાં સ્મરણ હોય જ છે.

ખુશી મૃદિતા છે. નેસળાઓમાં હજી પણ મૃદિતા, ખુશી છે. લોકોએ હંમેશા આનંદમાં, મૃદિતામાં રહેવું જોઈએ. નેસળાનો પ્રસંગ યાદ કરતા કાન-ગોપીના રાસ જેવું દ્રશ્ય મનમાં આવી ગયું તેવું મોરારીબાપુએ જણાવ્યું હતું.

પ્રસન્નતાનો બાપ પ્રમાણિકતા છે. પ્રમાણિક માણસ જ પ્રસન્ન રહી શકે. અપ્રમાણિક કોઈ દિવસ ખુશી રહી શકે નહીં.

બધા દેવોએ જ ઝેર પીધા છે. કોઈ માતાએ કયાંય ઝેર પીધા નથી. માતાઓ, શકિતઓ પરમ પવિત્ર છે. દેવતાઓની જગ્યાએ દેવીઓ સમુદ્ર મંથન કરવા ગયા હોત તો ઝેર નિકળવાને બદલે અમૃત જ નિકળત.દેવતા અને અસુરોની દેવીઓને વંદન કરતાં જણાવ્યું હતું કે. સ્ત્રી-પુરુષથી જ બાળકનો જન્મ થાય છે.બીજ દેનારો પિતા છે. પણ બન્ને શબ્દો સ્ત્રી છે. આનંદ અને મૃદિતાના સંસારથી સુખ જન્મે છે.

સમતા યુકત મમતાની વાત કરતા મોરારીબાપુએ કહ્યું કે મને બધા પર મમતા છે. મમતાને પ્રીતિ અંગે વાત કરતાં કહ્યું કે શ્રદ્ઘા અને વિશ્વાસ જળ અને પ્રવાહ છે. બન્નેમાં તત્વ એક જ છે. બન્ને અર્ધનારેશ્વર છે. બન્નેમાંથી ભરોસો જન્મે છે.તેને રમાડો તેમ મોરારીબાપુએ કહી ચોરી ન કરવી, ઇન્દ્રિયોને કાબુમાં રાખવી, બુદ્ઘિને કાબુમાં રાખવા માર્મિકતાથી માનસ ક્ષમા રામકથામાં જણાવતા મિલાપણા વાળા યુગની વાત કરી હતી.ઙ્ગ

જીવ છે ક્રોધ આવી જાય પરંતુ ૫ મિનિટ માટે ખમી જવું જોઈએ. રસ્તો પાર કરતાં ધીરજ રાખવી જોઈએ. ૨૪ કલાક ક્રોધ ન થાય પણ શાંત રહી શકાય. સતસંગ કર્યો હશે તો વિવેક હોય.તેમ માનસ ક્ષમા રામકથામાં મોરારીબાપુએ શ્રોતાઓને કહ્યું હતુ.

પાંચમા દિવસે સાયલા લાલજી મહારાજની જગ્યાના મહંત દુર્ગાદાસજી મહારાજ, કમીજણાના જાનકીદાસ બાપુ, સૂર્યધામ ચપરડાના મુકતાનંદજી મહારાજ, પ્રેરણાધામ જૂનાગઢના લાલબાપુ, ભજનિક નિરંજન પંડ્યા સહિતના સંતો, મહંતો અને અગ્રણીઓ માનસ ક્ષમા રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:36 pm IST)