સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

સોમનાથ ટ્રસ્ટની નવી સુવિધાથી સોમનાથ દાદાના દર્શન ઘરે બેઠા થશે

વેરાવળ, તા.૧૧: હવે તમે ઘરે બેઠા બેઠા સોમનાથ દાદાના દર્શન કરવા માંગતા હોય તો તમારા માટે ખૂશીના સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર એવા છે કે, સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક નવી સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. આ સુવિધાના કારણે દેશની કોઈ પણ જગ્યા પરથી તને હવે દરરોજ સોમનાથ દાદાના દર્શન કરી શકશો.

એક રિપોર્ટ અનુસાર સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સોમનાથ ભગવાન મહાદેવના દર્શન કરવા ઈચ્છાતા ભકતોની સુવિધામાં વધારો કરવા માટે સોમનાથ યાત્રા નામની એક મોબાઈલ એપ્લીકેશન બનાવવામાં આવી છે. આ એપ્લીકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરીને સીધા સોમનાથ દાદાના દર્શન કરી શકાશે. આ એપ્લીકેશના લોન્ચિગ કર્યા પછી ૪૬ દેશના લોકોએ ભગવાન મહાદેવમાં દર્શન કર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ ભકતોની સુવિધા માટે કરવામાં આવતા ભકતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે અને લોકો કહી રહ્યા છે કે, સોમનાથ ટ્રસ્ટની આ સુવિધાના કારણે તેઓ ભગવાન મહાદેવના દરરોજ દર્શન કરી શકે છે એટલા માટે અમે સોમનાથ ટ્રસ્ટને વિનંતી કરીએ છીએ કે, આ સેવા હંમેશા શરૂ રાખવામાં આવે.

સોમનાથ ટ્રસ્ટના સભ્યએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, શ્રાવણ મહિનામાં ફેસબુક, ઈન્સ્ટા જેવી અલગ અલગ સોશિયલ મીડિયા એપ્લીકેશનોમાં ટ્રસ્ટની IT ટીમ દ્વારા ભગવાનના રોજે રોજના દર્શન, આરતી લાઈવ કરીને લોકોને ઘરે બેઠા દર્શન કરાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગત વર્ષ કરતા આ વર્ષે સોશિયલ મીડિયામાં અમારા વ્યૂઅર્સ વધ્યા છે, ફેસબુકમાં ૪ કરોડ લોકોએ શ્રાવણ મહિનામાં ભગવાનની આરતીના દર્શન કર્યા છે.

(3:34 pm IST)