સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

કેશોદની પાંચ વેપારી પેઢીને પેમેન્ટ નહિ કરી રૂ. ર૧.૬ર લાખનો ચુનો

ચાર બ્રોકર સામે વિશ્વાસઘાત-છેતરપીંડીની ફરીયાદ

જુનાગઢ, તા. ૧૧ : કેશોદની પાંચ વેપારી પેઢીને પેમેન્ટ નહિ કરી ચાર બ્રોકરે રૂ. ર૧.૬૩ લાખનો ચુનો ચોપડી વિશ્વાસઘાત-છેતરપીંડી આચરી હોવાનું પ્રકાશમાં આવેલ છે.

કેશોદ ખાતે સીંગદાણાનો વેપાર કરતા પ્રવિણભાઇ હમીરભાઇ ડાંગર અને અન્ય વેપારીઓને ગાંધીધામની શ્રી નાથજી ટ્રેડર્સ નામની પેઢીના માલિક અને તેના બંને ભાગીદારો તેમજ બ્રોકરોએ વિશ્વાસ અપાવી વિવિધ જણસની ખરીદ કરેલ.

જેમાં પ્રવિણ ડાંગર પાસેથી રૂ. ૮.૮ર લાખનો ૧ર હજાર કિલો સીંગદાણા, ચુનિલાલ એન્ડ બ્રધર્સ પાસેથી રૂ. ૬.૬૧ લાખનો ૯૦૦૦ કિલો સીંગદાણા, નારાયણ ગૃહ ઉદ્યોગ પાસેથી રૂ. ૭ ૧,૧૭પની કિંમતનો પ૦૦૦ કિલો સીંગદાણા તેમજ ઇશ્વર ટ્રેડીંગ કંપનીનો રૂ. ૧,૬૮,૪૩૭નો ૩૮પ૦ કિલો ચણા અને સહજાનંદ ટ્રેડીંગ કાું. નામની વેપારી પેઢી પાસેથી રૂ. ૭૯,૬૮૭ની કિંમતનો ૧૦૦૦ કિલો મગનો જથ્થો મળી કુલ રૂ. ર૧ લાખ, ૬ર,૭૯૯ની જ કિંમતની જણસ ખરીદ કરેલ.

પરંતુ પેમેન્ટ નહિ ચુકી રાજકોટના કોઠારીયા મેઇન રોડ વિસ્તારમાં રહેતો જીગ્નેશ ભુદરભાઇ કલોલા, અમદાવાદનો ધીરૂ ડાયાભાઇ ચોવટીયા તથા જીવરાજભાઇ ભીખાભાઇ ગઢીયા અને કેશોદના આંબાવાડી વિસ્તારમાં રહેતો બ્રોકર નંદકિશોર વજુભાઇ કિકાણીએ વિશ્વાસઘાત આચરી છેતપીંડી કર્યાની ફરીયાદ ગઇકાલે નોંધાવતા કેશોદ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ પી.એસ.આઇ. એચ.ડી. વાઢેર ચલાવી રહ્યા છે.

(11:37 am IST)