સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

મોરબીના વર્ષામેડી અને ઘુનડા ગામે વરસાદી વિજળી પડતા બે ના મોત

મોરબીતા.૧૦:  જિલ્લામાં ગઈકાલે વરસાદી માહોલ વચ્ચે વીજળી પડતા બે લોકોના મોત નિપજ્યા છે જેમાં માળીયા તાલુકામાં વર્ષામેડી ગામે યુવાનનું તેમજ ટંકારાના ઘુનડા ગામે એક મહિલાનું મોત નિપજયાનું જાણવા મળેલ છે. મોરબી જિલ્લામાં ગઈકાલે જિલ્લામાં સારો વરસાદ થયો હતો તેમાં મોરબી શહેરમાં અઢી ઇંચ જેટલો વરસાદ તેમજ વાંકાનેરમાં એકાદ ઇંચ અને ટંકારા તથા માળિયામાં અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે જે દરમિયાન ગોજારી ઘટનાઓ પણ સામે આવી છે જેમાં જાણવા મળતી વિગતો મુજબ માળીયા(મી) તાલુકાના વર્ષામેડી ગામે વરસાદી વીજળી પડતા સિમ વિસ્તારમાં ઢોર ચરાવી રહેલા ખોડાભાઈ રૃપાભાઈ ખીંટ (ઉ.વ.૧૮) નામના યુવાનું મોત નીપજ્યું હતું.જ્યારે મોરબીના ટંકારા તાલુકામાં આવેલા ઘુનડા(સજજનપર) ગામે રહેતા રીટાબેન દિનેશભાઈ માંડવીયા નામની ઓગણીસ વર્ષની મહિલા વાડીએથી પોતાના ઘરે પરત જઈ રહી હતી તે સમયે તળાવ નજીક વરસાદી વીજળી પડતાં તેને બેભાન હાલતમાં મોરબી સિવિલ લાવવામાં આવી હતી અહીં તબીબે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી બંને બનાવને પગલે મૃતકોના પરિવારોમાં શોક વ્યાપી ગયો હતો માળીયા અને ટંકારા પોલીસે બનાવોની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

સાપ કરડતા સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગર વિસ્તારમાં રહેતો મેહુલ રસિકભાઈ જોગીયાણી નામનો બાવીસ વર્ષનો યુવાન ગઇકાલે સાંજે તેના ઘર નજીક હતો ત્યારે તેને સાપ કરડો જતાં તેને સારવાર માટે સિવિલે લવાયો હતો.

વૃધ્ધા સારવારમાં

મોરબીના પંચાસર રોડ રાજનગરમાં રહેતા મોતીબેન ભાણજીભાઈ ચિખલિયા નામના એસી વર્ષના વૃધ્ઘાએ કોઈ અગમ્ય કારણોસર ફિનાઇલ ગટગટાવી લેતા તેઓને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલ લવાયા હતા અને માળીયા(મીંયાણા)માં રહેતા હવાબેન સમસીરભાઇ મિંયાણા (ઉંમર વર્ષ ૪૦) નામની મહિલાને તેના ઘેર તેના પતિએ કોઈ કારણોસર માર મારતા સારવાર માટે મોરબી લવાયા છે.

(6:13 pm IST)