સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th September 2018

ઉપલેટામાં સગાભાઇની ઘાતકી હત્યા કરી પિતા ઉપર હુમલો કરવા અંગે પકડાયેલ મોટાભાઇનો છૂટકારો

પાંચ ફુટની ઉંચાઇ ધરાવતો આરોપી ૧૨ ફુટની દિવાલ ઓળંગી શકે નહિઃ બનાવ અંધારામાં બનેલ છેઃ પુરાવો શંકાસ્પદ છેઃ એડવોકેટ ભગીરથસિંહ ડોડીયાની સફળ રજૂઆત

રાજકોટ, તા.૧૧: ઉપલેટામાં સગાભાઇના ખુન અને પિતા ઉપર જીવલેણ હુમલો કરવાના ચકચારી ખુનના ગુન્હામાં પકડાયેલ આરોપી સગાભાઇનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ છે.

ઉપલેટામાં રહેતા મોતીબેન વાલાભાઇ સોલંકીએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં તા.૨/પ/૧૬ના રોજ રાત્રીના ફરીયાદી તેના પુત્ર અજય વાલાભાઇ સોલંકી તથા પતિ વાલાભાઇ નાથાભાઇ સોલંકી ફળીયામા+ સુતા હતા ત્યારે તેના મોટા પુત્ર આરોપી સંજય વાલાભાઇ સોલંકી વંડી ટપી હાથમાં કુહાડી અને એસીડ લઇ આવેલ હતો અને સગી મા ની હાજરીમાં નાનાભાઇ અજયને માથામાં કુહાડીઓ મારેલ અને પિતા વાલાભાઇ વચ્ચે છોડાવવા પડતા તેઓને પણ માથામા() કુહાડીઓ મારેલ અને જતા જતા પોતાની પાસે રહેલ એસીડ આ બંને પિતા અને ભાઇ ઉપર છાંટેલ અને જેથી તેઓ આખા શરીરે અસહય રીતે દાજી ગયેલ હતા. જેથી સગી માતાએ પોતાના મોટા પુત્ર સંજય વાલાભાઇ સોલંકી વિરૂધ્ધ પતિની જીવલેણ હત્યાની કોશીશ અને નાના પુત્ર અજયના ખુનના ગુન્હાની ફરીયાદ નોંધાવેલ હતી.

ઉપરોકત ખુબજ ચકચારી પ્રકરણમાં તપાસનીશ અધિકારીએ તાત્કાલીક ફરીયાદ નોંધી આરોપી સંજય વાલાભાઇ સોલંકી ઉ.વ.૩૨ને તેના ઘરેથી ધરપકડ કરેલ અને ફરીયાદીનું વિશેષ નીવેદન લઇ ગુન્હાને લાગતા પુરાવાઓ કબ્જે કરી પંચનામા કરી સાહેદોના નીવેદન લીધેલ અને આરોપીને જેલ હવાલે કરી તેઓની વિરૂધ્ધ પુરતા પુરાવાઓ હોય ઇન્સાફી કાર્યવાહી માટે ચાર્જશીટ કોર્ટમાં દાખેલ કરેલુ હતું.

આ ચકચારી ખુન કેસમાં બચાવપક્ષના એડવોકેટશ્રી ભગીરથસિંહ ડોડીયાએ રજુઆત કરેલ હતી કે ફરીયાદપક્ષે જે પુરાવાઓ રજુ રાખેલ છે તે આરોપી વિરૂધ્ધ નિઃશંકપણે પુરવાર થતા નથી ખુદ માતાની જુબાની ધ્યાને લેવામાં આવે તો મીલ્કતના ભાગની જે વાત કરેલ છે તે અંગે આરોપી સાથે દીવાની કોર્ટમાં લેખીત સમાધાન થઇ ગયેલ છે વળી માતાને માનસીક બીમારી હોય જેની લાંબા સમયથી સારવાર ચાલુ હોય તેથી માનસીક બીમારીના વિચારોમાં સગા પુત્રનું નામ આપેલ છે. સ્થાનીક જગ્યાની દીવાલો ધ્યાને લેવામાં આવે તો ૧૨ ફુટ વંડાની દીવાલો છે તે દીવાલો કોઇપણ જાતના આધાર વગર આરોપી કે જેની ઉચાઇ પ-૪ ઇંચની હોય તે આ દીવાલ ઓળંગી શકે તેવી કોઇ શકયતાઓ રહેલી નથી.

ફરીયાદપક્ષનો પુરાવો ધ્યાને લેવામાં આવે તો રાત્રીના ૩.૦૦ વાગ્યે અંધારામાં બનાવ બનેલ છે તેવા સંજોગોમાં હુમલાખોરને ઓળખી શકાય તેવી કોઇ શકયતાઓ પુરાવામાંથી જણાઇ આવેલ નથી તથા તપાસનીશ અધિકારી તથા ગુજરનારની સારવાર કરનાર ડોકટર ગૌરાંગ વાઘાણીની જુબાની ધ્યાને લેવામાં આવે તો ફરીયાદપક્ષના પુરાવાથી તદન વિરોધાભાસ મેડીકલ પુરાવો આવેલ છે અને આરોપી વિરૂધ્ધનો સમગ્ર પુરાવો શંકાથી ભરેલો છે અને આરોપી તરફે જે લેખીત દલીલો અને કાયદાકીય આધારો રજુ થયેલ છે તે ધ્યાને લેતા આરોપી વિરૂધ્ધ ફરીયાદપક્ષ પોતાનો કેસ સાબીત કરવામાં સંપુર્ણ નિષ્ફળ રહેલ હોય આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવો જોઇએ.

ઉપરોકત ચકચારી કેસમાં ફરીયાદપક્ષનો પુરાવો સરકાર તરફની રજુઆતો અને બંને તરફ રજુ થયેલ લેખીત દલીલો તથા કાયદાકીય પરિસ્થિતિ અને દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઇ ધોરાજીના બીજા એડી.સેશન્સ જજ શ્રી એચ.એ.દવે એ આ કેસમાં આરોપી સંજય વાલાભાઇ સોલંકીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં બચાવપક્ષે રાજકોટના યુવા એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, જયદેવસિંહ જાડેજા, કિરીટ નકુમ, હેમાંસુ પારેખ, જયવીર બારૈયા, વિજયસિંહ જાડેજા, મીલન જોષી, દીપ પી. વ્યાસ એડવોકેટ તરીકે રોકાયેલા હતા.(૨૩.પ)

(11:47 am IST)