સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th August 2020

જુનાગઢ જીલ્લામાં બેફામ બનતો કોરોના પ્રજાજનો રામભરોસે

ધારાસભ્ય તથા શહેર કોંગ્રેસ પ્રમુખની રજુઆતઃ નિયંત્રણ માટે સચિવની નિમણુંક પરંતુ દર્દીના સરનામા પણ જાહેર કરવાનું બંધ કરતા દર્દીઓના કારણે સંક્રમણ વધવાની ભિતિ

વિસાવદર, તા., ૧૧: વિસાવદર ભેસાણના જાગૃત ધારાસભ્ય અને ૧૦૮ ની છાપ ધરાવતા હર્ષદભાઇ રીબડીયા તથા વિસાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ નયનભાઇ   જોશી (એડવોકેટ-નોટરી) દ્વારા મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી વિગેરેને રજુઆત કરી જણાવેલ છે કે જુનાગઢ જીલ્લામાં દિન-પ્રતિદિન કોરોના રોગના દર્દીઓની સંખ્યાનો રાફડો ફાટયો હોય તે રીતે વધારો થઇ રહયો છે અને જુનાગઢ જીલ્લો નાનો હોવા છતા કોરોનાના દર્દીઓના આંકડા દિન-પ્રતિદિન વધી રહયા છે. આ સંજોગોમાં સરકારે સચિવ કક્ષાના અધિકારીશ્રીની નિમણુંક કરી છે પરંતુ જુનાગઢ જીલ્લામાં કોરોના દિવસે ને દિવસે બેફામ વધી રહયો છે. સરકારે કોરોના ઉપર કાબુ મેળવવા અનેક પ્રયત્નો કરેલ છે. પરંતુ તેનીી કોઇ અસર થઇ હોય તેવું લાગતુ નથી અને કેસોમાં જેટ ગતીએ વધારો થઇ રહયો છે અને પ્રજા રામ ભરોસે છે ત્યારે આવા સ઼જોગોમાં કોરોના દર્દીના નામ જાહેર કરવાનું પ્રથમ બંધ કર્યા બાદ તેના નામ સરનામા પણ જાહેર કરવાનું બંધ કરેલ છે અને તેના કારણે કોરોનાના દર્દી જીવતા બોમ્બની જેમ ફરી રહયા છે. જે બીજાના સંપર્કમાં આવતા કોરોનાનું સંક્રમણ વધુ જશે. હાલ પણ જુનાગઢ જીલ્લામાં ૪૦ થી વધુ પોઝીટીવ કેસ દરરોજના આવી રહયા છે. દિવસે-દિવસે આ સ્થિતિ સ્ફોટક બનતી જાય છે. આરોગ્ય તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના નામ જાહેર ન થાતા અને માત્ર સરનામુ જાહેર થતુ હવે તે પણ બંધ કરેલ છે. કયા વિસ્તારમાં પોઝીટીવ કેસ આવ્યો તેની લોકોને જાણ નહી થાય આ રીતે સંક્રમીતોની વિગતો છુપાવી કોરોના પર નિયંત્રણના પ્રયાસો થઇ રહયા છે.

આ જીલ્લામાં કોરોના સંક્રમીતોની સંખ્યા અન્ય જીલ્લાની સમકક્ષ જ આવી ગઇ છે તેથી આ બાબતે સરકારશ્રી યોગ્ય પગલા લઇ જીલ્લાના અન્ય ગરીબ અને મજુર વર્ગના તથા અન્ય લોકોની આરોગ્ય કાળજી  માટે લોકોને ઉપયોગી થવા માટે ફરીથી ફેર વિચારણા કરી કોરોના પોઝીટીવ દર્દીના નામ અને સરનામા જાહેર કરે તો તેનાથી અન્ય લોકોને ચેપ લાગવાના કિસ્સા અથવા તેના પરીવારના સંપર્કના કારણે વધતા કેસોની સંખ્યામાં ઘટાડો થશે અને લોકોનું આરોગ્ય પણ સુરક્ષીત રહેશે.

(12:56 pm IST)