સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th August 2018

અટકાયત બાદ પોલીસે મુક્ત કર્યા તો લલિત વસોયા અને હાર્દિક પટેલે ધોરાજીના ભુખી ગામે સભા ગજવીઃ ભાદર નદીમાં છોડાતા કેમિકલવાળા પાણી મુદ્દે સરકાર ઉપર પ્રહારો

રાજકોટ: ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા ભાદર નદી અને ડેમમાં ઠલવાતા પ્રિન્ટીંગ ન્ડ ડાઇંગના જેતપુરના કારખાનાના કેમિકલયુક્ત પાણી મુદ્દે જળસમાધીની ચિમકી આપ્યા બાદ પોલીસે લલિત વસોયા, હાર્દિક પટેલ, પ્રતાપ દુધાત સહિતની અટકાયત કરી હતી.

અટકાયત કર્યા બાદ પોલીસે થોડા કલાકો બાદ તેમને અને હાર્દિક પટેલને મુક્ત કર્યા હતા. પોલીસે મુક્ત કરતાની સાથે બંને નેતાઓ ધોરાજીના ભુખી ગામે સભા કરવા પહોંચી ગયા હતા, જ્યાં તેમણે ભાદર નદીમાં છોડાતા કેમિકલવાળા પાણીના મામલે સરકાર પર પ્રહારો કર્યા હતા.

ભાદર નદીમાં આસપાસના ઉદ્યોગો દ્વારા અત્યંત પ્રદૂષિત પાણી છોડાતું હોવાની સામે વિરોધ આંદોલન શરુ કરનારા કોંગ્રેસના ધારાસભ્ય અને હાર્દિક પટેલના સાથીદાર લલિત વસોયાની આજે જળ સમાધિના કાર્યક્રમ દરમિયાન અટકાયત કરાઈ હતી. વસોયાની સાથે આંદોલનમાં હાર્દિક પણ સામેલ હતો, તેને પણ પોલીસે ડિટેઈન કર્યો હતો.

લલિત વસોયાએ ભાદર નદીમાં ઠલવાતા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી સામે ઘણા સમયથી આંદોલન શરુ કર્યું છે. તેમણે છેલ્લે તો આવી ચિમકી ઉચ્ચારી હતી કે જો નદીમાં પ્રદૂષિત પાણી છોડતું બંધ કરવામાં આવ્યું તો તેઓ 11ઓગસ્ટના રોજ ભાદર-2 ડેમમાં જળસમાધિ લઈ લશે.

આજે ભારદ 2 ડેમ પર વસોયા અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. જોકે, પોલીસે કાર્યવાહી કરી ટોળાંને વિખેરી નાખ્યું હતું. ગમે તે ભોગે જળસમાધિ લેવા તત્પર વસોયા એકના બે થતાં આખરે પોલીસે લલિત અને હાર્દિકને અટકાયતમાં લઈને તેમને સ્થળ પરથી લઈ જવામાં આવ્યા હતા.

લતિત વસોયાએ દાવો કર્યો છે કે, ભાદર નદીમાં જેતપુરના સાડી ઉદ્યોગો દ્વારા મોટી માત્રામાં પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. આંદોલન થાય તેના માટે તેમને મોટી ઓફર પણ કરવામા આવી હતી. વસોયાના જણાવ્યા અનુસાર, તેમને શરુઆતમાં 25 લાખની ઓપર અપાઈ હતી, પરંતુ તેઓ ટસના મસ થતાં 1 કરોડ સુધીની ઓફર પણ કરાઈ હતી.

જોકે, વસોયાએ સ્પષ્ટ કહી દીધું છે કે તેમને પોલીસ જેવા છોડશે કે તરત તેઓ ફરી આંદોલન શરુ કરી દેશે. આંદોલન ચાલુ રહેશે તો પોતાને જીવનું જોખમ રહેલું છે તેવું પણ લલિત વસોયાએ જણાવ્યું હતું.

(5:15 pm IST)