સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th August 2018

લલીત વસોયા, હાર્દિક પટેલ, પ્રતાપ દુધાત સહિતના જામીન મુકત . સરકાર લોકોનો અવાજ રૃંધે છેઃ પરેશભાઈ ધાનાણીની સટાસટી

રાજકોટઃ ધોરાજી તાલુકાના ભુખી ગામ ખાતે આજે ભાદર-૨ ડેમમાં જળસમાધી કાર્યક્રમ પહેલા ધારાસભ્ય લલીતભાઈ વસોયા, પ્રતાપભાઈ દુધાત, પાસના કન્વીનર હાર્દિક પટેલ સહિતની અટકાયત કરવામાં આવ્યા બાદ જેતપુર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેઓને જામીન ઉપર મુકત કરવામાં આવ્યા હતા. લલીતભાઈ વસોયાએ જણાવ્યુ કે અમારી પાસેથી કોઈ લેખીત માહિતી લેવામાં આવી નથી. માત્ર આગામી દિવસોમાં શું કાર્યક્રમ છે ? તે અંગેની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. દરમિયાન કચ્છના ગાંધીધામ ખાતે મગફળી કૌભાંડ અંગે ધરણા ઉપર બેઠેલા વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ જણાવ્યુ હતુ કે, લલીતભાઈ વસોયા, પ્રતાપભાઈ દુધાત, હાર્દિક પટેલ સહિતની અટકાયત કરવામાં આવી તે નિંદાપાત્ર છે. સરકાર લોકોનો અવાજ રૃંધે છે અને લોકોની લાગણી સરકાર સમજી શકતી નથી. તસ્વીરમાં જેતપુર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે લોકોના ટોળા નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨-૨૫)

 

(4:40 pm IST)