સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th August 2018

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહોત્સવનો કાલથી પ્રારંભ

એક મહિના સુધી દરરોજ મહાપૂજન, સવાલક્ષ બિલ્વાર્ચન, મહારૂદ્રાભિષેક, શ્રૃંગાર દર્શન સહિતના કાર્યક્રમો

વેરાવળ - પ્રભાસપાટણ તા.૧૧ : પ્રથમ આદિ જયોતિર્લીંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાવન શ્રાવણ માસની ઉજવણી શરૂ થનાર છે. શ્રાવણ મહોત્સવનો પ્રારંભ તા.૧૨-૦૮-૨૦૧૮ શ્રાવણ સુદ એકમને રવિવારના રોજ થશે અને પુર્ણાહુતી તા.૯-૯-૨૦૧૮ શ્રાવણ વદ અમાસને રવિવારે થશે. મહામૃત્યુંજય મંત્રજાપ યજ્ઞ, ધ્વજારોહણ, શ્રૃંગાર દર્શન પૂજા, સવાલક્ષ બિલ્વપૂજા, વિશેષ પૂજાવિધિમાં હજારો દેશ વિદેશના ભાવિકો અને ભકતજનોએ ઉમળકાભેર જોડાશે. શ્રાવણમાં પ્રત્યેક શ્રાવણી સોમવારે સવારે ૯-૧પ કલાકે મંદિર પરિસરમાં શ્રી સોમનાથ દાદાની પાલખી યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે.

શ્રાવણ માસના પ્રથમ દિને ભગવાન સોમનાથજીની પ્રાતઃપુજા આરતી બાદ નૂતન ધ્વજારોહણ, બિલ્વપુજાના યજમાનોને સવાલક્ષ બિલ્વપુજાનો સંકલ્પ કરવામાં આવશે. ટ્રસ્ટની વેબસાઇટ www.somnath.org પરથી પૂજા વિધિ, ડોનેશન, ગેસ્ટહાઉસ બુકીંગ સાથે લાઇવ દર્શન પણ થઇ શકશે. સોશ્યલ મિડીયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામ shrisomnathtemple ટવીટર @shrisomnath ફેસબુક @shrisomnathtemple ગુગલ અને એપલ સ્ટોર પર shrisomnath Yatra સાથે જોડાઇ ઘેરબેઠા દેશ વિદેશના ભકતજનો સોમનાથ મહાદેવના વિવિધ પ્રહરના શ્રૃંગારદર્શન, લાઇવ દર્શન તેમજ ઇ-માળા દ્વારા ઁ નમ : શિવાયના જાપ પણ કરી શકશે. અમદાવાદની શાહિબાગ ઓફીસ ફોન નં. ૦૭૯ ૨૨૬૮૬૪૪૨ તથા સદવિચાર કાર્યાલય ફોન નં. ૦૭૯ - ૨૬૮૬૦૬૬૦ પરથી અતિથિગૃહ રૂમનું એડવાન્સ બુકીંગ પૂજાવિધી પણ નોંધાવી શકાશે.

શ્રાવણ માસમાં દેશ વિદેશથી આવતા યાત્રીઓ શાંતિપુર્ણ દર્શન કરી શકે તેમજ કોઇ અગવડ ન પડે તેને ધ્યાને લઇ સોમનાથ મંદિરના સમયમાં શ્રાવણ માસમાં ફેરફાર કરાયો છે. રવિવાર સોમવાર શ્રાવણી તહેવારો દરમિયાન મંદિર સવારે ૪ વાગ્યે ખુલી જશે. જે રાત્રીના ૧૦ સુધી ખુલ્લી રહેશે. શ્રાવણના આ સિવાયના દિવસોમાં મંદિર સવારે ૫-૩૦ થી રાત્રે ૧૦ સુધી ખુલ્લુ રહેશે. તા.૮-૯-૨૦૧૮ શ્રાવણ વદ ચૌદશ શનિવારના દિવસે માસિક શિવરાત્રી સબબ રાત્રીના મહાપૂજન તેમજ ૧૨ વાગ્યે આરતી બાદ શ્રી સોમનાથ મંદિર રાત્રીના ૧ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે. વિશેષમાં શ્રાવણમાસ દરમિયાન સોમનાથ ખાતે પ્રસિધ્ધ કલાકારો ભગવાન નટરાજ સમક્ષ પોતાની સુરઆરાધના પ્રસ્તુત કરશે. આવતા યાત્રીકો આધ્યાત્મિકતા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનો લ્હાવો લઇ શકશે.

ગીતામંદિર, શ્રી ગૌલોકધામ તીર્થ ખાતે શ્રાવણ સુદ બિજથી શ્રાવણ વદ અમાસ સુધી વિશિષ્ટ હિંડોળા દર્શનનું તેમજ શ્રી કૃષ્ણ ચરણપાદુકા પૂજનનું વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે. આ હિંડોળા દર્શન માટે ભકતજનો નિયત કરેલ ન્યોછાવર આપી યજમાન બનવાનો લાભ લઇ શકશે. તેવી જ રીતે નવનિર્મિત શ્રી રામમંદિર ખાતે શ્રાવણના પ્રત્યેક સોમવારે સુંદરકાંડનું આયોજન સુંદરકાંડ ગૃપ રેયોન કર્મચારી મંડળ વેરાવળ દ્વારા તથા શ્રાવણના પ્રત્યેક શનિવારે રામધુનનું આયોજન વેરાવળ મહિલા મંડળ દ્વારા કરવામાં આવશે. જેનો લ્હાવો લેવા સર્વે ભકતજનોને હાર્દિક નિમંત્રણ છે.

શ્રાવણ માસ દરમિયાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને અલગ અલગ વિશિષ્ટ શ્રૃંગારોથી ૨૯ જેટલા અલગ અલગ શણગાર કરવામાં આવશે. આ શ્રૃંગારના નિયત કરેલ ન્યોછાવર આપી ભકતજન યજમાન બનવાનો લાભ લઇ શકશે. શ્રાવણ માસ દરમિયાન મહામૃત્યુંજયયજ્ઞમાં યાત્રિકો હોમ કરી લાભ લઇ શકશે.

શ્રાવણમાં કરો સોમનાથ મહાદેવને સુવર્ણનો અભિષેકથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેકટ અંતર્ગત શ્રી સોમનાથ મંદિર પર ૧૪૫૭ કળશો નાના - મોટા પ્રકારના કળશો છે, જેમાં કળશ મુલ્ય રૂ.૧.૫૧ લાખ, મધ્યમ કળશ મુલ્ય ૧.૨૧ લાખ, નાના કળશ મુલ્ય રૂ.૧.૧૧ લાખ છે. જેને સુવર્ણથી મઢવાની યોજના મુકવામાં આવેલ છે. જેનો પવિત્ર માસ દરમિયાન સર્વે ભકતજનોને સહભાગી થવા વિનંતી છે.

પથિકાશ્રમ ડોમ ખાતે તા.૧૭ થી તા.૧૯ ઓગષ્ટ દરમિયાન ગૌવિજ્ઞાન કથા અને સ્વાસ્થ્ય કથા વકતા ડો.નિરંજન વર્મા ગુરૂજીના વકતા સ્થાને યોજાશે. જેમાં નિઃશુલ્ક અસાધ્યરોગો માટે પંચગવ્ય ચિકિત્સા નિદાન, પંચગવ્ય મેડીસીનનું વિતરણ, શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી આયોજન કથાના દિવસો દરમિયાન યોજાશે.જેમાં મર્યાદિત કેસો તપાસવાના હોય વહેલા તે પહેલાના ધોરણે સંપર્ક ૧ સંજયભાઇ જોશી મો. ૯૯૭૮૬ ૧૪૯૯૦ ર. ડો.ડી.કે.વાજા મો. ૯૪૨૮૨ ૧૪૯૯૯ ૩. કાંતીભાઇ ગઢીયા મો. ૯૪૨૬૫ ૭૫૭૫૬ ૪. કૌશિક સોલંકી મો. ૯૯૭૮૬ ૧૪૦૨૫ ઉપર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવું.

ભાવિકોની ભીડને ધ્યાનમાં રાખી મંદિર દર્શન, આરતી માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાશે. વૃધ્ધો અશકત યાત્રિકો, દિવ્યાંગો માટે હેલ્પડેસ્કની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ ઇ-રીક્ષા, વ્હીલચેર, વ્હીલચેર આસીસ્ટન્ટ પણ રાખવામાં આવેલ છે. શ્રાવણ દરમિયાન (ગૌરીકુંડ ચેકપોસ્ટ) પાર્કિંગથી સોમનાથ મંદિર સુધી આવવા માટે વિનામુલ્યે ઓટોરીક્ષા રાખી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. શ્રાવણ માસના ઘસારાને ધ્યાન રાખી વિશેષ ગંગાજળ, પૂજાવિધિ, પ્રસાદ કાઉન્ટરો, કલોકરૂમ, જૂતાઘરની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર શ્રાવણમાસ દરમિયાન સ્વાગત કક્ષ શરૂ કરવામાં આવશે.

સોમનાથ હરિહર પ્રસાદ સેવા કેન્દ્ર ખાતેથી ભકતોને નિઃશુલ્ક બુંદી તથા ગાંઠીયાનું વિતરણ કરવામાં આવશે. સાથે જ શ્રાવણમાં આવતા સંઘો તરફથી યાત્રિકોને પ્રસાદ તેમજ ફરાળની નિઃશુલ્ક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

શ્રાવણમાં દૂર દૂરથી આવતા ભકતજનો શાંતિપુર્ણ આરામ તેમજ થાક હળવો કરી શકે, તેવા શુભઆશયથી પથીકાશ્રમ ખાતે એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવશે. નગરપાલીકા દ્વારા મોબાઇલ ટોઇલેટ મુકાશે તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને પીવાના પાણીની સવલત મળી રહે તે માટે પરબો શરૂ કરવામાં આવશે. ગીર સોમનાથ જીલ્લા એન.સી.ડી સેલ સરકારી હોસ્પિટલ દ્વારા વિવિધરોગો અંગે માર્ગદર્શન તથા જાગૃતતા માટે આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર શ્રાવણ માસ દરમિયાન પ્રભાસપાટણ આરોગ્ય કેન્દ્ર ખાતે તાત્કાલીક આરોગ્ય સેવા મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ટ્રસ્ટ નગરપાલીકા તેમજ પવિત્ર યાત્રાધામ વિકાસબોર્ડના સંયુકત ઉપક્રમે દિવસ અને રાત્રે સફાઇ થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. તેમજ યાત્રિકોને પણ નમ્ર અપીલ કરવામાં આવે છે કે પવિત્ર યાત્રાધામમાં પોતાનો કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં જ નાખે જેથી સ્વચ્છતા જળવાઇ રહે.

શ્રાવણ માસ દરમિયાન સમગ્ર વ્યવસ્થા તેમજ આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન ટ્રસ્ટના માન.અધ્યક્ષ કેશુભાઇ પટેલ તથા માન. ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી સાહેબના માર્ગદર્શન નીચે જનરલ મેનેજર શ્રી અને સમગ્ર ટ્રસ્ટ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે.શ્રાવણ માસ દરમિયાન વ્યવસ્થા રાખવામાં આવેલ પોલીસકર્મીઓ એસ.આર.પીના જવાનો તેમજ અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સારી રીતે આયોજનબધ્ધ ગોઠવેલ છે. શ્રાવણ માસ દરમિયાન સ્વચ્છતા, યાત્રિકસુવિધા, ટ્રાફીક નિયમન વગેરે જળવાય તેમજ દેશ પરદેશથી આવતા યાત્રિકોને શાંતિપુર્ણ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા સ્થાનીક જીલ્લા વહીવટીતંત્ર,  જીલ્લા પોલીસ તંત્ર, નગરસેવા સદનના સહયોગથી ગોઠવવામાં આવેલ છે.(૪૫.૧૦)

 

(11:55 am IST)