સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th August 2018

મગફળી કૌભાંડઃ ૨૯ આરોપીઓને કેટલો આર્થિક ફાયદો થયો તે હજુ પોલીસ ઓકાવી શકી નથી !!

આર્થિક લાભ અંગે પોલીસ કહે છે કે હજુ તપાસ ચાલુ જ છે...: જે ગોડાઉનોમાં ભેળસેળ થતી'તી ત્યાં પોલીસે પંચનામુ કર્યુ

રાજકોટ, તા. ૧૦ :. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલ જેતપુરના પેઢલાના ૪.૬૦ કરોડના મગફળી કૌભાંડમાં પકડાયેલ આરોપીઓને કેટલો આર્થિક લાભ થયો ? તે હજુ પોલીસ ઓકાવી શકી નથી. પોલીસ કૌભાંડની નીચેની ચેનલની તપાસમાં જ વ્યસ્ત છે. જો કે પોલીસ કહે છે કે, આર્થિક લાભ અંગે તપાસ ચાલુ છે.

પેઢલાના મગફળી કૌભાંડમાં રૂરલ પોલીસે મુખ્ય સૂત્રધાર મગન ઝાલાવડીયા સહિત ૨૯ આરોપીઓની ધરપકડ કરી છે. જે પૈકી ૫ આરોપીઓ જેલ હવાલે થયા છે અને બાકીના આરોપીઓ હાલ પોલીસ રીમાન્ડ હેઠળ છે. મગફળી કૌભાંડમાં જે ગોડાઉનોમાં મગફળીમાં ભેળસેળ કરાતી હતી તેમા એક બોરીમાં ૧૦ થી ૨૦ ટકા સારી મગફળી કાઢી નબળી મગફળી સાથે પથ્થરો અને માટી ભેળવી દેવાતી હતી તે અગાઉ પોલીસ જાહેર કરી ચુકી છે. એક બોરીમાંથી ૧૦ થી ૨૦ ટકા સારી મગફળીનો જથ્થો કાઢી લેવાયો હોય તો ૧ કરોડથી સવા કરોડનું આ કૌભાંડ ગણી શકાય. જો કે પકડાયેલ આરોપીઓમાંથી કોને કેટલો આર્થિક ફાયદો થયો ? તે અંગે પોલીસે હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી કે પોલીસ હજુ આ વિગત ઓકાવી શકી નથી. પોલીસે મગન ઝાલાવડીયાના આર્થિક વ્યવહારો જાહેર કર્યા છે પરંતુ તેને અન્ય આરોપીઓને આ કૌભાંડમાંથી કેટલો આર્થિક લાભ થયો તે હજુ જાહેર કર્યુ નથી.

આ અંગે રૂરલ એસ.પી. બલરામ મિણાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યુ હતુ કે, આરોપીઓ હજુ રીમાન્ડ હેઠળ છે અને કયા આરોપીને કેટલો આર્થિક ફાયદો થયો ? તે અંગેની તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ આ અંગેની વિગતો જાહેર કરાશે.

દરમિયાન જેતપુર, રબારીકા અને મોટી ધાણેજ મંડળીના ગોડાઉનોમાં પડેલ મગફળીના જથ્થામાં ભેળસેળ કરાતી હતી તે ગોડાઉનોમાં ગઈકાલે પોલીસે પંચનામુ કર્યુ હતું.(૨-૬)

 

(11:48 am IST)