સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th August 2018

ગારીયાધારની ગટરના પાણીના મામલે ગ્રામજનો દ્વારા શાળાની તાળાબંધી કરાઇ

ખોડવદરી ગ્રામજનોનો પ્રશ્નનું નિરાકરણ નહી આવે ત્યાં સુધી તાળા બંધી યથાવત રખાશેઃ સરપંચ

ગારીયાધાર તા.૧૦: તાલુકાના ગામે  ગારીયાધાર અંડર ગ્રાઉન્ડ ગટરના નિકાલ થતા પાણીના પ્રશ્નોને લઇને સરપંચ સહિત ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળાની તાળાબંધી કરી દેવામાં આવી હતી.

ગારીયાધાર અન્ડરગ્રાઉન્ડ ગટરનું દુષીત પાણીનો નિકલ ખોડવદરી ગામ તળાવના વહેણમાં થતો હોવાથી સમગ્ર ગ્રામ તળનું પાણી દુષિત થવાનો છેલ્લા ૫ વર્ષથી પ્રશ્ન ઉદ્દભવ્યો છે. આ દુષિત પાણીના કારણે સમગ્ર ખોડવદરી ગામ પીવાનું પાણી વેચાતું લેવું પડે છે. ગામતળનુ પાણી ખરાબ થઇ જવાના કારણે સમગ્ર ગ્રામજનોના શરીરો પર અળાઇઓ અને બાળકોમાં સફેદ ડાઘો જેવા ચામડીના રોગો જોવા મળે છે, માથાના વાળ ખરવા, અને ધાધર-ખરજવા જેવી બીમારીઓ સામાન્ય બનવા પામી છે. ગામમાં પ્રાથમિક શાળામાં ભણતા ૨૫૦ જેટલા બાળકો પણ પાણીના પ્રશ્નના કારણે ભારે હાલાકી વેઠી રહયા છે.

જયારે આ બાબતે ખોડવદરીના સરપંચ અબ્દુલભાઇ દલના જણાવ્યા પ્રમાણે આ પ્રશ્ન માટે તાલુકા વિકાસ અધિકારી, ચિફ ઓફિસર, આરોગ્ય વિભાગ, મામલતદાર કચેરી અને જિલ્લા કલેકટર સુધી ફરીયાદો કરવા છતાં પણ પ વર્ષમાં એકપણ વખત ખોડવદરીમાં ગટરના પાણીથી  ઉદ્દભવેલા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ નથી. માટે ગ્રામજનો સાથે ખોડવદરી પ્રાથમિક શાળાની તાળાબંધી કરવામાં આવી હતી. જયા સુધી ખોડવદરી ગ્રામજનોના આ પ્રશ્નનો નિકાલ નહી થાય ત્યાં સુધી તાળાબંધી ચાલુ રાખવામાં આવશે.

જયારે આ બાબતે ગારીયાધાર મામલતદાર મિનાક્ષીબેન જોષીનો સંપર્ક કરતા તેઓ મીટીંગમાં વ્યસ્તતા બતાવવામાં આવી હતી.

(11:45 am IST)