સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

ભેસાણ પોલીસ સ્ટેશનની છત પરથી મહિલા GRDનો આપઘાતનો પ્રયાસ : સાથી કર્મી, સામે દુષ્કર્મનો આરોપ

પતિ સાથે મનમેળ નહીં હોવાથી છૂટાછેડા : મૈત્રી કરાર બાદ ગેસ હાઉસ અને અવાવરું વાડીમાં સબંધ બાંધ્યો : માતા પિતા નહિ અપનાવે કહીને તરછોડી : જયદીપ પરમાર સામે દુષ્કર્મનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ

જૂનાગઢ જિલ્લામાં આવેલા ભેસાણ પોલીસ સ્ટેશનની છત પરથી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહિલા GRDએ ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસકર્મીઓ તાત્કાલિક મહિલા GRDને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં મહિલા GRDએ તેના સાથી પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.

રિપોર્ટ અનુસાર ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી GRD મહિલાકર્મીએ સાંજના સમયે પોલીસ સ્ટેશનની છત પરથી ઝંપલાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને થતા તેઓ GRD મહિલાને સારવાર માટે સૌથી પહેલા ભેસાણની હોસ્પિટલમાં લઈ ગયા હત.

ત્યાં મહિલાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

મહિલા GRDએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેના સાથી સહકર્મી જયદીપ પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

મહિલા GRDએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2015માં તેના લગ્ન થયા હતા અને તેને સંતાનમાં એક પુત્ર હતો પરંતુ પતિ સાથે મનમેળ ન રહેતા તેને છૂટાછેડા લીધા હતા. સાથે ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે બાળકને થેલેસેમિયાનો રોગ હોવાના કારણે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ત્યારબાદ ફરજ દરમિયાન તેને સહકર્મી જયદીપ પરમાર સાથે મિત્રતા બંધાઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી મૈત્રી હોવાના કારણે બંને 31 મેના રોજ મૈત્રી કરાર કર્યા હતા.મૈત્રી કરાર બાદ 6 જૂનના રોજ જયદીપ પરમાર મહિલા GRDના ઘરની બહાર ગયો હતો અને મહિલા GRD સાથે ગાળાગાળી કરીને અને બાઈક પર બેસાડી એક ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો. ગેસ્ટ હાઉસ માં મહિલા સાથે તેને શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ ઉપરાંત ભાટ ગામના રસ્તા પર એક અવાવરું વાડીમાં લઈને પણ જયદીપ પરમારે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

ફરિયાદમાં જયદીપ પરમાર સામે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, જયદીપ પરમારે જેતપુરના ઉત્સવ ગેસ્ટ હાઉસમાં લઈ જઈને મહિલા GRDને કહ્યું હતું કે તને મારા માતા-પિતા નહીં અપનાવે એટલે તું તારા માતા-પિતાના ઘરે જતી રહે. આવું કહયા બાદ જયદીપ પરમાર મહિલા GRDને પોલીસ સ્ટેશનની બહાર મૂકીને જતો રહ્યો હતો.

ત્યારબાદ મહિલાએ આ વાત તેના ભાઈ અને સમાજના આગેવાનોને કરી હતી. તેથી તેઓ પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તમામ લોકોએ જયદીપ પર મહિલાને અપનાવી લેવાનું દબાણ કર્યું હતું પરંતુ આ ઘટના બાદ મહિલાએ પોલીસ સ્ટેશનની છત પરથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તો પોલીસે જયદીપ પરમાર સામે દુષ્કર્મનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

(11:03 pm IST)