સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

જૂનાગઢના ઐતિહાસીક સુદર્શન બંધને વર્લ્ડ હેરીટેજમા સ્થાન આપો

વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને નગરપાલીકા સેલના પ્રદેશ કન્વીનર પ્રદિપભાઇ ખીમાણીની રજૂઆત

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૧૧ : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ નગરપાલીકા સેલના કન્વીનર પ્રદિપભાઇ ખીમાણીએ વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી જૂનાગઢ ઐતિહાસિક સુદર્શન બંધ સેતુને વિશ્વ વિરાસતની વર્લ્ડ હેરીટેજ યાદીમાં સ્થાન મળે તે માટેની દિશામાં યોગ્ય કરવા માંગણી કરી છે.

પ્રદિપભાઇ ખીમાણીએ વધુમાં જણાવ્યુ છે કે જૂનાગઢમાં ગિરનારની ગોદમાં સુવર્ણસિકતા (હાલની સોનરખ નદી) અને પલાશિની નદી (લુપ્ત થઇ ગયેલ) તેના સંગમ સ્થાને ચંદ્રગુપ્ત મૌર્યના સૌરાષ્ટ્રના સુબા પુષ્પગતે બંધાવેલ. આ બંધના કારણે તળાવમાં પાણીનો સંગ્રહ થયો. તે તળાવને તેણ સુદર્શન નામ આપેલુ. આ પછી મૌર્ય સમ્રાટ અશોકના વખતમાં તેના સુબા યવનરાજ તુષાસ્ફ ખેતીની સિંચાઇ માટે સુદર્શન તળાવમાંથી નહેર કાઢી હતી. આ બંધનું કામ એટલુ મજબુત હતુ કે ૪૫૦ વર્ષ સુધી ટકી શકયુ પરંતુ શક સંવત ૭૨ના માગશર મહિનાની વદ એકમે સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થઇ, જેને પરિણામે ગિરનારમાંથી નીકળતી સુવર્ણસિકતા અને પલાશિની નદીઓમાં ભારે પુર આવતા તે તુટી પડયુ ત્યારબાદ મહાક્ષત્રપ રૂદ્રદામન સુબા પહલવ સુવિશાખે જલ્દીથી નિર્ણય લઇ, લોકો પાસેથી કોઇપણ જાતના વધારાના કરવેરા કે વેઠ લીધા સિવાય આ બંધને ફરી વખત બંધાવ્યો (ઇસ ૧૫૦) આ બંધ પહેલા કરતા પણ લંબાઇ અને પહોળાઇમાં ત્રણ ગણો મજબૂત બન્યો. આ સંદર્ભના પુરાતત્વીય, સાહિત્યક અને અન્ય આધારભૂત પુરાવાઓ પણ ઉપલબ્ધ છે.

વર્લ્ડ હેરીટેજની યાદીના સ્થાન મળે તો ભારતનું વિશ્વનું પ્રથમ સેતુ તરીકેનું સ્થાન મળશે, પ્રવાસનક્ષેત્રના વિકાસને વધુ વગે મળશે, સામાજિક એકતા કે ભાગીદારી વધશે,નાણાકીય સવલતો ઉપલબ્ધ થશે. શિક્ષણના વિકાસને નવા દ્રષ્ટિકોણથી જોવાશે અને નવા અધ્યાયની શરૂઆત થશે. સ્થાપત્યની દ્રષ્ટિએ તેનુ મહત્વ વધી જશે. નવી રોજગારીનું સર્જન થશે. નગર કે શહેરના વિકાસને વેગ મળશે.

પ્રદિપભાઇ ખીમાણીએ વધુમાં જણાવેલ છે કે, હાલમાં જ તેલંગણામાં સદરમટ્ટ એનીકેટ જેનુ બાંધકામ ૧૮૯૧-૯૨માં થયુ હતુ જે સિંચાઇ માટે બંધાવ્યુ હતુ. જયારે પેડ્ડા ચેરૂવુ જે જળાશય તરીકે બંધાવ્યુ અને તેને ઉપયોગ સામાન્ય લોકો માટે થતો. ઉપરોકત બંને સ્થળને હાલમાં વલ્ડ હેરીટેજ ઇરીગેશન સ્ટ્રકચર દરજજો પ્રાપ્ત થતા ભારતની પ્રથમ સાઇટ બની ગઇ છે. હવેથી આ બંને સ્થળ ઇન્ટરનેશનલ કમિશન એન્ડ ડ્રેમેજ દ્વારા ડબલ્યુએચઆઇએસની જાળવણી કરવામાં આવે છે.

ઉપરોકત બંને સ્થળ કરતા જૂનાગઢનું સુદર્શન તળાવ સેતુ સમય, સ્થાન, ક્રમ અને બાંધકામ ઇ.સ. પુ.ર સદીથી ઇ.સ. ૪ સદીમાં (અલગ અલગ સમયે નિર્માણ અને પુનઃનિર્માણ) નિર્માણ થયેલ છે. ત્યારે ઉપરોકત બંને સ્થળને જો વર્લ્ડ હેરીટેજમાં સ્થાન મળી શકતુ હોય તો જૂનાગઢના ઐતિહાસિક સ્થળને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળવાની શકયતા વધી જાય છે. જે અંગેના પુરાતત્વીય, સાહિત્યક અને અન્ય આધારભૂત પુરાવાઓ ઉપલબ્ધ છે.

જૂનાગઢના આ ઐતિહાસીક સ્થળને વિશ્વ વિરાસતની (વર્લ્ડ હેરીટેજ) કે વર્લ્ડ હેરીટેજ ઇરીગેશન સ્ટ્રકચર  યાદીમાં સ્થાન પ્રાપ્ત થાય તે અંગેની દરખાસ્ત મોકલવામાં આવે તો ઇતિહાસના નવા પ્રકરણનો ઉભેરા થશે તો આ સંદર્ભે દરખાસ્ત મોકલવા પ્રદિપ ખીમાણી મેમ્બર ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળએ માંગણી કરી છે.

(1:02 pm IST)