સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

કેશોદમાંથી ૨૪ લાખના સીંગદાણા ઉઠાવતી વખતે ટ્રક માલિકનું નામ નંબર ખોટા આપ્યાં

(કમલેશ જોષી દ્વારા) કેશોદ,તા.૧૧:  કેશોદનાં સોંદરડા ખાતે સીંગદાણાના કારખાના માલીક સાથે રૂપીયા ૨૪ લાખની છેતરપિંડીના કેસમાં ૨ શખ્શોને પોલીસે ઝડપી લીધા છે બન્નેની પૂછપરછમાં ટ્રક માલિકનું નામ અને ટ્રકની નંબર પ્લેટ ખોટા હોવાનું ખૂલ્યું છે આ ગુનામાં સંડોવાયેલા વધુ ૪ આરોપીને પકડવા પોલીસે કમર કસી છે

કેશોદનાં સોંદરડામાં આવેલા મુકુંદ ટ્રેડર્સ નામના સીંગદાણાના કારખાનામાંથી મહારાષ્ટ્રના સોલાપુર ખાતે એક વેપારીને ટ્રક મારફત ૨૫ ટન સીંગદાણા વેચવા મોકલાયા હતા પણ ટ્રક ડ્રાઈવરે આ સીંગદાણા મૂળ જગ્યાએ પહોચાડવાને બદલે ગાંધીનગરના માણસના ઇટાદરા ગામમા આવેલા એક ગોડાઉનમાં રાખી દઇ કારખાના માલીક સાથે છેતરપિંડી કરી હતી આ અંગે ૨૪ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે માણસાના ઇટાદરા ગામમા ગોડાઉન ભાડે રાખનાર અયુબમિયા અનવરમિયાને પકડી તેની આકરી પૂછપરછ હાથ ધરી હતી અને સીંગદાણાના ૫૦૦ કટામાંથી ૪૮૭ કટા રિકવર કર્યા હતા પકડાયેલા શખ્શની પૂછપરછ બાદ વધુ એક આરોપી અલી અહેમદભાઈ સંધીને પણ પોલીસે ઝડપી લીધો હતો પકડાયેલા બન્ને આરોપીઓને એક દિવસના રિમાન્ડ પર લેતા તેઓએ પોલીસને વધુ ૪ નામો આપ્યા હતા પકડાયેલા શખ્શોએ કબુલ્યું હતું કે ફરિયાદમાં બતાવાયેલા ટ્રકના માલિકનું નામ અને ટ્રકનો નંબર ખોટા હતાં આ ધટનાની તપાસ ઇન્ચાર્જ પીઆઇ એન. બી. ચૌહાણ સાહેબ ચલાવી રહયા છે.

(10:28 am IST)