સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

અમરેલીમાં પેટ્રોલ પંપના માલિક પાસેથી ૧૦ લાખની ખંડણી માંગનાર અને એસપી નિર્લિપ્તરાયને ચેલેન્જ ફેંકનાર છત્રપાલ વાળા ભાગી ગયો

ઓડિયો કિલપ વાઇરલ થયા બાદ અને ફોનમાં નિર્લિપ્ત રાયને ખુલ્લી ચેલેન્જ આપનાર છત્રપાલ વાળા સામે પોલીસ એકશનમાં આવતા ફરાર

અમરેલી તા. ૧૧ : અમરેલીમાં ગુરૂદત્ત પેટ્રોલ પંપના માલિક પાસે ૧૦ લાખની ખંડણી માંગી ધમકીભર્યો ફોન કરનાર છત્રપાલ વાળાની ઓડિયો કિલપે અમરેલી જ નહીં સમગ્ર રાજયમાં ભારે ચકચાર મચાવી છે. તેવામાં ઓડિયો કિલપ વાઈરલ થયા બાદ અને ફોનમાં નિર્લિપ્ત રાયને ખુલ્લી ચેલેન્જ આપનાર છત્રપાલ વાળા સામે પોલીસ એકશનમાં આવતાં જ તે ફરાર થઈ ગયો છે.

અમરેલીના ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક પાસેથી નામચીન છત્રપાલ વાળાએ ૧૦ લાખની ખંડણીના ફોન કોલની ઓડિયો કિલપે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. આ ઓડિયો કલીપ વાયરલ થતા પોલીસ એકશનમાં આવી હતી અને પેટ્રોલ પંપ માલિકનો સંપર્ક કરી આરોપી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરી હતી.

અમરેલીમાં આવેલાં ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક હિતેષ આડતિયાને છત્રપાલ વાળા નામના શખ્સે ફોન કરીને તેની પાસેથી ૧૦ લાખની ખંડણી પેટે માંગ્યા હતા. આ નાણા આરોપી છત્રપાલે ફરિયાદીને પ્રોટેકશન આપવા અને સારી રીતે પેટ્રોલ પમ્પ ચલાવવા માટે આ નાણાંની માંગણી કરી હતી. અને જો નાણાં નહીં આપે તો તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તથા પેટ્રોલ પમ્પ પર ફાયરિંગ કરવાની ધમકી અને ગાળો આપી હતી. તેમજ આ ઓડિયો કિલપમાં અમરેલીના એસપી નિર્લિપ્ત રાયનો ઉલ્લેખ પણ તેણે ઓડિયો કિલપમાં કર્યો હતો. આ ઓડિયો કલીપ વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. અને આરોપી છત્રપાલ વાળાએ પોલીસને પણ ખુલ્લી ચેલેન્જ ફેંકી હતી.

ઓડિયો કલીપ વાયરલ થતા પોલીસે પેટ્રોલ પંપના માલિકનો સંપર્ક કર્યો હતો. અને આ વાતચીત ગત.તા.૦૧/૦૬/૨૦૨૧ના રોજ બપોરના ૧૨/૫૯ થઇ હોવાનું પેટ્રોલ પમ્પના માલિકે સ્વીકાર્યું હતું. અને આ અંગે અમરેલીના સીટી પોલીસ સ્ટેશન ખાતે આરોપી છત્રપાલ વિરુદ્ઘ પેટ્રોલપમ્પના માલિકે હિતેશ આડતીયાએ ફરિયાદ નોંધાવી હતી.

જેને પગલે પોલીસે આરોપી વિરુદ્ઘ બળજબરીથી નાણાં કઢાવવા અને ખંડણીની ફરિયાદ દાખલ કરી હતી. હાલ આરોપી છત્રપાલ વાળા ફરાર છે. અને પોલીસ આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને આગળની કાર્યવાહી કરી રહી હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું હતું.

(1:07 pm IST)