સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

પોરબંદરમાં કેન્દ્રની રેસ્કયુ ટીમનું સાંજ સુધીમાં આગમનઃ બંદર કાંઠે ૧ નંબરનું સિગ્નલ

અરબી સમુદ્રમાં લો-પ્રેસરથી પોરબંદર કાંઠે ચક્રવાત પવન ફુંકાય તેવી સંભાવનાઃ કલેકટરે તકેદારીની બેઠક યોજીઃ માછીમારોને દરિયો નહી ખેડવા ચેતવણી

પોરબંદર તા. ૧૧ :.. અરબી સમુદ્રમાં લો-પ્રેસરના પગલે પોરબંદર કાંઠે ૧ નંબરનું સિગ્નલ ચઢાવી દેવામાં આવ્યું છે. દરીયા કાંઠે સંભવીત વાવાઝોડાની અસર સામે કેન્દ્રની રેસ્કયુ ટીમ (એનડીઆરએફ) ની ૧૪ જવાનો સાથેની એક ટીમ વેરાવળથી પોરબંદર આવવા રવાના  થઇ ગયેલ છે. જે સાંજ સુધીમાં પોરબંદર પહોંચી જશે.

દરીયામાં લો-પ્રેસરની પોરબંદર કાંઠે અસરની સંભાવના ધ્યાને લઇને જિલ્લા કલેકટરે તકેદારીની બેઠક યોજી હતી. માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી અપાય છે.પોરબંદર અને બરડા ડુંગર વિસ્તારમાં અસહ્ય બફારો તથા બપોરે આકાશમાંથી અગ્નિ જાળ વરસી રહી છે. વેરાવળ દરીયા કાંઠાથી ૭૦૦ કી. મી. દૂર લો-પ્રેસર છે. જેને લઇને પોરબંદર દરીયાકાંઠે એલર્ટ જાહેર કરેલ છે પોરબંદર કાંઠાને લાંબા સમયથી સાઇકોલોનગ્રસ્ત જાહેર કરેલ છે. પરંતુ પોર્ટ કંટ્રોલ રૂમમાં હવામાન માપવાના પુરતા સાધનો નથી. જિલ્લા કલેકટર અને ડીઝાસ્ટાર મેનેજમેન્ટ ઉપર આધાર રાખવો પડે છે.

(2:10 pm IST)