સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

પ્રથમ જ વાર આ'લા-હઝરતના વંશજ પધારતા સચાણાના ઉર્ષનો જલ્સો ઐતિહાસિક બની રહ્યો

''તાજુસ્સુન્નાહ''ની બેડીમાં યોજાયેલી તકરીરમાં પણ લોકો ઉમટી પડયાઃ તૌસીફે મિલ્લત અમદાવાદમાં

જામનગર તા. ૧૧ : સુન્ની મુસ્લિમોના વડા ધર્મગુરૂ આ'લા-હઝરત ઇમામ અહેમદ રઝાખાન ફાઝીલે બરૈલ્વી (રહે)ના પૌત્ર અને એશિયાખંડના જાણીતા પ્રખર વકતા તાજુસ્સુન્નાહ તરીકે ઓળખાતા હઝરત મૌલાના તૌસીફ રઝાખાન સાહેબ (બરૈલી શરીફ) ત્રણ દિ'ના હાલારના પ્રવાસે આવતા સુન્ની મુસ્લીમોમાંં હર્ષ વ્યાપી ગયો હતો અને તેઓનું ભવ્ય સ્વાગત કરવામાંં આવ્યું હતું.

તેઓ શનિવારે સવારે દિલ્હીથી વિમાન માર્ગે રાજકોટ પધારી અને રાજકોટમાં આખો દિ' રોકાયા બાદ સાંજે બેડેશ્વર (જામનગર) પધારતા બેડીમાં સુન્ની મુસ્લિમો દ્વારા સુન્ની વડાનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

આજ દિવસે રાત્રે નજીકના સચાણા ગામે દરિયા કિનારે આરામ ફરમાવતા ઔલિયા હઝરત કાજન્સાવલી (રહે.)નો ઉર્ષ મુબારક યોજાયો હતો જેમાં સુન્ની વડા ઉપસ્થિત રહેતા તેઓને સાંભળવા સચાણ ગ્રામજનો સહિતના સુન્ની મુસ્લિમ બિરાદરો મોટીમાત્રામાં ઉમટી પડયા હતા.

સચાણા ગામમાં સુન્ની વડા અને આ'લા-હઝરતના પરિવારના વશંજ પધાર્યાની આ પ્રથમ ઘટના હોઇ આ સમગ્ર કાર્યક્રમ ઐતિહાસીક બની રહ્યો હતો અને તેના આયોજક સંસ્થા ઓલ ઇન્ડીયા સુન્ની જમીઅતુલ અવામની મહેનત સફળ રહી હતી બીજી તરફ સચાણા સહિતના ગ્રામજનો સુન્ની વડાના અનુયાયઓ બન્યા હતા.

સુન્ની મુસ્લિમ સમાજ માટે અને ખાસ કરીને સચાણા ગામ માટે સુન્ની વડા પધાર્યાની ઘટના એક ઉત્સવ બની રહ્યો હતો અને રવિવારે ફરી હુઝુર તોસીફે મિલ્લત બેડી પધાર્યા હતા અને રાત્રે તેઓની યોજાયેલ જાહેર કાર્યક્રમમાં તેઓની તકરીર અસરકારક રહી હતી જેની મોટી સંખ્યામાં સુન્ની લોકોએ લાભ લીધો હતો સુન્ની વડા સોમવારે રાત્રે જામનગરથી મોટર માર્ગે અમદાવાદ જવા રવાના થયા હતા તેમ સંયોજક ઉસ્માનગની કમોરાએ એક યાદીમાં જણાવ્યું છે.

(2:09 pm IST)