સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

એસટી બસ પલ્ટી જતાં ઘવાયેલા ૪૪માંથી ઉપલેટા મજેઠીના આહિર વૃધ્ધનું મોત

ઉપલેટાના હાડફોડી અને સમઢીયાળા વચ્ચે ગઇકાલે અકસ્માત સર્જાયો'તો : મેણંદભાઇ કોઠીવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૧: ઉપલેટાના હાડફોડી અને સમઢીયાળા વચ્ચે ગઇકાલે સવારે કારને બચાવવા જતાં એસટી બસ પલ્ટી ખાઇ જતાં ૪૪ મુસાફરોને ઇજા થઇ હતી. તે પૈકી ઉપલેટાના મજેઠી ગામના આહિર વૃધ્ધનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

મજેઠી રહેતાં મેણંદભાઇ હરસુરભાઇ કોઠીવાર (ઉ.૮૫) નામના આહિર વૃધ્ધ ગઇકાલે નવેક વાગ્યે મજેઠીથી ઉપલેટા ઘરે ચણતર કામ ચાલુ હોઇ તેનો સામાન લેવા જવા એસટી બસમાં બેઠા હતાં. આ બસ હાડફોડી અને સમઢીયાળા વચ્ચે પહોંચી ત્યારે અચાનક સ્વીફટ કાર સામે આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં એસટી બસના ચાલકે કાબૂ ગુમાવતાં બસ પલ્ટી ખાઇ ગઇ હતી.

આ અકસ્માતમાં કુલ ૪૪ મુસાફરોને ઇજા થઇ હતી. જેને ઉપલેટા હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. ગંભીર ઇજાગ્રસ્ત મજેઠીના મેણંદભાઇ આહિરને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ રાત્રીના તેમણે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે કાગળો કરી ઉપલેટા જાણ કરી હતી.

મૃત્યુ પામનાર વૃધ્ધ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં અને ખેતી કરતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને ચાર પુત્ર છે.

(12:10 pm IST)