સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

કોટડાસાંગાણી માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે અર્જુન ખાટરીયા સતત પાંચમીવાર બીનહરીફ

રાજકોટ તા ૧૧  : કોટડા સાંગાણી માર્કેટીંગ યાર્ડની ચેરમેન-વાઇસ ચેરમેનની ચુંટણી તા. ૧૦ ના રોજ યોજાઇ હતી અને તેમાં રાજકોટ કોંગ્રેસ અગ્રણી તેમજ જિલ્લા પંચાયતના કોંગ્રેસના નેતા અને સદસ્યશ્રી અર્જુનભાઇ ખાટરીયા સતત પાંચમી વખત બિન હરીફ ચેરમેન તરીકે વરણી થયેલ છે. તેમની સાથે કોંગ્રેસના તાલુકાના સુરેશભાઇ લુણાગરીયા વાઇસ ચેરમેન તરીકે ચુંટાઇ આવેલ છે. કોટડા સાંગાણી માર્કેટીંગ યાર્ડ છેલ્લા ૧૫ વર્ષથી ગોંડલ યાર્ડમાંથી જુદુ પડેલ છે, ત્યારથી કોટડા સાગાંણી યાર્ડ, શાપર વેરાવળ ખાતે કાર્યરત છે.

માર્કેટીંગ યાર્ડ દ્વારા ખેડુતોલક્ષી વિવિધ કામો અને યોજનાઓ દ્વારા ખેડુત લક્ષી કાર્ય કરવામાં આવે છે. ખેડુતને બિયારણ પર સબસીડી અકસ્માત પર સહાય રૂપે વિમા દ્વારા વિવિધ સહાય આપવામાં આવે છે. કોટડાસાંગાણી માર્કેટીંગ યાર્ડ છેલ્લા ત્રણ ટર્મથી ચુટણીઓ થાય છે, જેમાં સહકાર પેનલ જે જિલ્લા તેમજ તાલુકાના આગેવાનો કોંગ્રેસ પાર્ટીના છે, તેના દ્વારા માર્કેટીંગ યાર્ડમાં વર્ચસ્વ રહયું છે. તાલુકાના તમામ આગેવાનો આ ચુંટણીમાં હાજર રહયા હતા.

અર્જુનભાઇ ખાટરીયા એ ફોર્મ ભરી ચેરમેન તરીકે જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા બિન હરીફ ચુંટાયેલ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ચેરમેન અર્જુનભાઇ ખાટરીયા દ્વારા વાઇસ ચેરમેનની ચુંટણી કરીને સુરેશભાઇ લુણાગરીયાને બીન હરીફ ચુંટાયેલ જાહેર કરાયા હતા. માર્કેટીંગ યાર્ડની બાકીના તમામ ડીરેકટરો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમજ તમામ ડીરેકટરોએ શુભકામના પાઠવી હતી. જીલ્લાના સહકારી આગેવાનો ઘનશ્યામભાઇ ખાટરીયા, ધીરૂભાઇ ધાબલીયા, તથા લઘુભા જાડેજા હાજર રહયા હતા.

યાર્ડના ડીરેકટરશ્રીઓ બાબુભાઇ સાવલીયા, હિતેષભાઇ વોરા, રવજીભાઇ સિંધવ, કેશુભાઇ વસાણી, લાભુભાઇ કુવાડીયા, કેશુભાઇ મેંગણી, રઘુભાઇ ધ્રાંગા, કિશોરભાઇ શેખડા, કરણસિંહ જાડેજા તેમજ અન્ય આગેવાનો મુન્નાભાઇ, નરેન્દ્રભાઇ સોલંકી, ભીખુભાઇ સરવૈયા, શાંતિભાઇ પડાળીયા વગેરે હાજર રહયા હતા.

(12:06 pm IST)