સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

ક્ષત્રિય સમાજ દ્વારા જામકંડોરણામાં પૃથ્વીરાજ ચૌહાણની ૮૫૩મી જયંતી ઉજવાઇ : શોભાયાત્રા નીકળી

જામકંડોરણા તા. ૧૧ : ભારત ભુમિના તત્કાલીન સમયના ચક્રવર્તી હિન્દ રાજા પૃથ્વીરાજ ચૌહાણની ૮૫૩ મી જયંતીની ક્ષત્રીય સમાજ દ્વારા ઉજવણી કરાઇ હતી.

શોભાયાત્રા ક્ષત્રીય સમાજથી શરૂ થઇ શહેરના મુખ્યમાર્ગો ઉપર ફરી લેઉવા પટેલ સમાજ પાસે પુર્ણ થઇ હતી જેમા જામકંડોરણા તાલુકાના અને આસપાસના વિસ્તારોના ક્ષત્રીય સમાજના આગેવાનો તેમજ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક સહિતના આગેવાનો તેમજ અનેક મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલ.

અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ જણાવેલ કે ચક્રવર્તી હિન્દ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણે તેમના કાર્યકાળ દરમિયાન અનેક પ્રજાહિતના કાર્યો કરી ભારતવર્ષનું નામ સમગ્ર વિશ્વમાં ઉજાગર કર્યુ છે. ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પ્રજાકલ્યાણના કાર્યો કરી ભારતવર્ષનું નામ સમગ્ર વિશ્વમાં ઉજાળ્યુ છે. ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પ્રજાકલ્યાણના હિતાર્થે પોતાનુ સર્વસ્વ હોમી દઇને ઇતિહાસમાં ભારતભુમિનું નામ અમર કર્યુ છે. તેમનુ સમગ્ર જીવન આજની અને આવનારી પેઢીઓ માટે હરહંમેશ પથદર્શક બની રહેશે. આવા પ્રેરણાદાયી વીરપુરૂષોનું જીવન ભારતની ભાવિ પેઢીને માભોમની રક્ષા અને સેવા માટે સતત માર્ગદર્શન આપતુ રહ્યુ છે. તેમની જયંતીની ઉજવણી મહત્વપુર્ણ છે.

રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ચક્રવર્તી હિન્દ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની જયંતીની સૌને શુભેચ્છા પાઠવી અને દુધીવદર ઓમ આશ્રમના સંત સ્વામી ચદ્રચૈતન્યજીએ આશિર્વચન આપતા જણાવેલ કે આવા વીર પુરૂષોના જીવનમાથી માર્ગદર્શન મેળવી આવનારી પેઢીને સતત અવગત કરતા રહેવા અનુરોધ કરેલ.

રાજકોટ જીલ્લા દુધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા સહિત મોટી સંખ્યામાં ક્ષત્રીય સમાજના આગેવાનો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(12:02 pm IST)