સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th June 2018

ગોંડલ નગરપાલિકા દ્વારા રૂપિયા ૫ કરોડના ખર્ચે શહેરના ૪૮ રોડને સીસી રોડ બનાવાશે

૧૪માં નાણાપંચ યોજના અંતર્ગત રોડ-રસ્તાના કામોને તાંત્રિક મંજુરી

ગોંડલ, તા.૧૧: ગોંડલ શહેરમાં ભૂગર્ભગટરોના કામો પૂર્ણ થયા બાદ પાલિકા તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટીઓના માર્ગોને ડામર રોડ તેમજ સી.સી.રોડ થી મઢવાના કામ હાથ ધરાયા છે ત્યારે ૧૪ માં નાણાપંચ યોજના અંતર્ગત પણ રૂપિયા પાંચ કરોડ મંજૂર થતા શહેરના ૪૮ જેટલા રોડને સીસી રોડ બનાવાનું કામ હાથ ધરવામાં આવનાર છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત વિધાનસભાની ચૂંટણી વેળાએ ભૂગર્ભગટરના કામોને લઇ શહેરના રાજમાર્ગો ઉબડખાબડ બની જવા પામ્યા હતા ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને ભાજપ અગ્રણી જયંતિભાઈ ઢોલ તેમજ વર્તમાન ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા દ્વારા શહેરના રાજમાર્ગો ને રાજવી કાળ મુજબ મઢવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. બાદમાં શહેરના અગ્રણીઓ પાલિકા પ્રમુખ અને પાલિકાતંત્ર દ્વારા રાજય સરકારને રજૂઆત કરતા ૧૪ માં નાણાપંચ અંતર્ગત રોડ-રસ્તાના કામોને મંજૂરી મળી જતાં શહેરના વિવિધ વિસ્તારોમાં સી.સી.રોડ મંજૂર થઈ જવા પામ્યા છે જેની કિંમત આશરે પાંચ કરોડ રૂપિયા જેવી છે. (૨૩.૬)

(12:18 pm IST)