સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th May 2021

મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જનેતાને સાવરણાથી માર મારતા દિકરાનો વીડિયો વાયરલઃ નરાધમ પુત્ર ઉપર ફિટકાર

મોરબી: મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં માતાને ઢસરીને માર મારતા ક્રુર દીકરાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો જોઈને તમારુ કાળજુ કંપી ઉઠશે. જનતાને સાવરણાથી માર મારતા દીકરાનો વીડિયો વાયરલ થયો છે. મોરબીનો વીડિયો મધર્સ ડેની ઉજવણીના એક દિવસ બાદ સામે આવ્યો છે, જે જોઈને તમે પણ નરાધમ પુત્ર પર ફિટકાર વરસાવશો. કારણ હતું માત્ર નાના દીકરાના ઘરે જવાનું...

દીકરાએ માતાને સાવરણીના ફટકા માર્યા

હવે કહી શકાય છે કે, કળીયુગ તેની ચરમસીમા પર પહોંચી ગયો છે. સંબંધોમાં લોકો મર્યાદા ભૂલી રહ્યાં છે. લોકો સંબંધોની લજવી રહ્યાં છે. ત્યારે મોરબીમાં એક દીકરો સાવરણી લઈને પોતાની માતા પર તૂટી પડ્યો. દીકરો એવો શેતાન બની ગયો કે, તેણે માતાને સાવરણીના ફટકા માર્યા હતા. શું નાના દીકરાના ઘરે જવુ માતાનો ગુનો હતો કે, મોટા દીકરાએ માતાને ઘરની બહાર બોલાવીને સાવરણાના ફટકા માર્યા હતા.

નાના દીકરાના ઘરે જવુ શું માતાનો ગુનો હતો?

કાંતિપુર ગામમાં વૃદ્ધ માતાને દીકરો માર મારતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જેમા રંભીબેન પરમાર નામની વૃદ્ધ માતાને તેમના મનસુખ પરમાર નામના મોટા દીકરાએ સાવરણીથી માર માર્યો હતો. થોડા દિવસો પહેલા રંભીબેન નાના દીકરાના ઘરે ગયા હતા. તેથી કારણે મોટો દીકરો ગુસ્સે થયો હતો અને મોટા દીકરાએ આવીને તેમને માર માર્યો હતો. સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ છે.

લોકોનો રોષ, પુત્રને ગધેડા પર બેસાડીને ગામમાં ફેરવો

મોરબીના એસપીએ કહ્યું કે, કળીયુગી પુત્ર સામે કાર્યવાહી કરવામાં આવશે. તો ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે, હું વૃદ્ધ માતાની મુલાકાત લઈ દીકરા સામે કાર્યવાહી કરવા રજૂઆત કરીશ. સાથે સોશિયલ મીડિયા પર નરાધમ પુત્રને સજા કરવાની માંગ ઉઠી છે. લોકોએ કહ્યું કે, આમાં કડકમાં કડક સજા કરો. મારી એવી માંગ છે કે કોઈ પુત્ર મા ઉપર આવો જુલમ કરે. સાથે એક શખ્સે કહ્યું કે, આવા નરાધમ પુત્રને ગધેડા પર બેસીને ગામડામાં ફેરવવો જોઈએ. જેથી કોઈ દિવસ કોઈ પુત્ર આવુ કૃત્ય કરે.

(4:11 pm IST)