સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th May 2021

ધાર્મિકતા-આધ્યાત્મિકતાના ભાવ સાથે ધાર્મિક કાર્યો કરતા રહેવુઃ પૂ. મોરારીબાપુ

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજીત ઓનલાઇન ''માનસ બિનય પત્રિકા'' શ્રી રામકથાનો ચોથો દિવસ

રાજકોટ તા.૧૧ : ''ધાર્મિકતા અને આધ્યાત્મિકતાના ભાવ સાથે ધાર્મિક કાર્યો કરતા રહેવુ જોઇએ'' તેમ પૂ. મોરારીબાપુએ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજીત ઓનલાઇન ''માનસ બિનય પત્રીકા'' શ્રીરામકથાના ચોથા દિવસે જણાવ્યું હતું.

પૂ.મોરારીબાપુએ ગઇકાલે શ્રીરામકથામાં ત્રીજા દિવસે કહ્યું હતું કે, ઉપનિષદ કહે છે સત્યં વદ, સત્ય વગર પણ નામ સ્મરણા ભાવ-કુંભાવથી કરીએ તો દસયે દિશા બદલાશે પણ પોતાની દશા નહી બદલાય પ્રિય સત્ય બોલવું, એ જ રીતે અલગ-અલગ દ્વારઃ અન્ન દ્વાર છે, મનનુ પણ દ્વાર છે. સ્વાધ્યાય, માતૃદેવો, ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, આ તમામ ભજનના આચરણ છે.પણ તુલસીજી કહે છે મારામાં એક પણ આચરણ નથી એ આપણને સમજાવવા માટે કહેલું છે. તુલસીજી કહે છે. કે કેવળ નાથ ! માત્ર નામના નાતે કરૂણા કરજો. રામનામ અચ્યુત છે. રામ નામ અક્ષર છે, અતિ સુક્ષ્મ છે.રામનાથ અતિ પ્રાણ છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે મારા ભાઇઓ બહેનોને હું કહેવા માગું છું કે ધૈર્ય-ધીરજ રાખજો, પ્રતિક્ષા રાખજો એ પણ જરૂરી છે કયારેક-કયારેક સાંપ્રત ઘટનામાં થોડુ ધૈર્ય રાખવાથી થાય છે કે એ પણ આર્શીવાદ હશે. વિષયી ધૈર્ય નથી રાખી શકતો, સાધક થોડુક રાખે છે. સિધ્ધ વધારે રાખે છે. પણ સિધ્ધથી પણ વધારે  ધૈર્ય શુધ્ધ રાખે છે. આથી આ ચિઠ્ઠી-પત્રીકા મે શુધ્ધ હૃદયથી લખેલી છે. આજ ધૈર્ય વરદાન અને અનુગ્રહમાં પરિવર્તિત થઇ જાય છે. કયારેક-કયારેક આપણી બુધ્ધિમાં જે ઠીક નથી લાગતુ એ-શુધ્ધ હૃદયથી-કાલાંતરમાં -માનવું પડે છે કે આ  જ ઠીક હતું.

બાપુએ કહ્યું કે આ રીતે મારી સમજ મુજબ આજે જે ઠીક ન લાગેએ ધૈર્ય પછી ઠીક પણ હોય એવું સમજાય અહી વિક્ષિપ્ત ચિત્ત, અહંકારગ્રસ્ત માનસીકતા નહીં ચાલે, વ્યભિયારિણી બુધ્ધિ નથી ચાલતી, સંકલ્પ, વિકલ્પવાળુ મન નથી ચાલતુ. પણ હૃદય પાસે મન બુધ્ધિ, ચિત્ત કે અહંકાર કંઇ નથી. આથી તુલસી કહે છે હૃદયને પુછજો, મે .હૃદયથી દિલથી લખેલી પત્રીકા છે.

(3:55 pm IST)