સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th May 2021

માતાની દવા માટે ઉછીના લીધેલા રૂ. ર૧ હજારની પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરે મકાન પર કબ્જો કરી લીધા

બામણસા-ઘેડના યુવાનની કેશોદના શખ્સ સામે ફરીયાદ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૧: માતાની દવા માટે ઉછીના લીધેલા રૂ. ર૧ હજારની પઠાણી ઉઘરાણી કરી કેશોદના વ્યાજખોરે બામણાસા-ધેડના યુવાનનાં મકાન પર કબ્જો કરી લીધો હોવાની પોલીસમાં ફરીયાદ થઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે કેશોદ તાલુકાનાં બામણાસા-ઘેડ ગામે રહેતા હરેશ પરબતભાઇ જોટવા (ઉ.વ.૩૭) એ તેની માતાને એટેક આવી જતા તેની દવાના નાણાની જરૂર પડતા તેણે કેશોદના પકા કારાભાઇ હડીચા પાસેથી રૂ. ર૧ હજાર હાથ ઉછીના લીધા હતા.

જેની સામે પકા હડીયાએ ર૦ ટકા વ્યાજબી માંગણી કરી હરેશભાઇ અને તેના દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂ. રપ૬૦૦ વ્યાજપેટે કઢાવી લઇ બાદમાં છરી બતાવી ઢીકાપાટુનો માર માર્યો હતો.

તેમજ વ્યાજનાં રૂ. ૧.૮૦ લાખની પઠાણી ઉઘરાણી કરતા બીકથી હરેશભાઇ પોતાના મકાનને તાળુ લગાવીને જતા રહ્યા હતા. પરંતુ પાછળથી વ્યાજખોરે મકાનનું તાળુ તોડી પોતાનું તાળુ લગાવીને મકાનનો કબજો કરી લીધો હોવાની ફરીયાદ ગઇકાલે સાંજે હરેશ જોટવાએ નોંધાવી હતી.

જેના પગલે કેશોદના ઇન્ચાર્જ પી.આઇ.એન.બી. ચૌહાણે ત્વરિત તપાસ હાથ ધરી પકા હડીયાની અટકાયત કરી કોવીડ ટેસ્ટની તજવીજ હાથ ધરી છે.

(12:53 pm IST)