સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th May 2021

ઉપલેટા તાલુકાના સંધી કલારીયા ગામમાં કોરોના મહામારીમાં એક પણ કોરોના કેસ નહી

ફેરિયાઓ અને બહારના લોકોને આવવા પર પ્રતિબંધ

(ભરત દોશી દ્વારા) ઉપલેટા તા. ૧૧ : ઉપલેટા તાલુકાના સંધિ કલારીયા ગામ કે જયાં આ ગામમા આજ દિવસ સુધી એક પણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. ૭૫૦ લોકોની વસ્તી ધરાવતુ સંધિ કલારીયા ગામના લોકોની જાગૃતતાને લઈને આ સમગ્ર ગુજરાત માટે આ ગામ પ્રેરણારૂપ બન્યુ છે. આ ગામમા ઉકાળા વિતરણ અને ઘરે ઘરે જઈને સતત હેલ્થ ચેકઅપની કામગીરી કરવામાં આવી રહી છે. ગામડાની વાત આવે એટલે શુદ્ઘ હવા, પાણી, ખોરાક બધુ જ મળી રહે છે. ગ્રામજનોની દરિયાદિલી તેમજ લાગણીશીલ માણસોની કલ્પના સહેજે મનમા જાગે છે.

છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામા લીધુ છે અને પોતાનુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા લાગ્યો છે અને હાલમા બીજી લહેરમા ગામડાઓમાં પણ તેની અસર ખાસી એવી દેખાઈ રહી છે તેમાંના અમુક ગામો એવા છે જયાં કોરોના સુર હજુ સુધી માઇલો દૂર રહ્યો છે જેમાંનુ એક ગામ છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનુ સંધિ કલારીયા ગામ આ ગામમાં સામાજિક મેળાવડા, ફેરિયાઓ અને ગામ બહારના લોકોને ગામમાં આવવા પર તેમજ ગામના લોકોને બહાર જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામા આવ્યો છે જેને લઈને આજ સુધી આ ગામ કોરોનાપ્રૂફ બની રહ્યું છે. બીમારીની વાત કરવામાં આવે તો ગામને કોરોના મુકત રાખવાની બાબતે સરપંચ દ્વારા જણાવ્યું કે ગયા વર્ષે જયારે કોરોના આવ્યો ત્યારથી ગ્રામજનો જાગૃત બની અને તકેદારી રાખી રહ્યા છે તેમજ લોકોની બીમારી સબબ સતત આરોગ્ય ચકાસણી જેવા અનેક પગલા થકી કોરોનાને ગામમાં આવતો અટકાવ્યો છે તેમજ ખાસ કરીને હાલ રમજાન માસમાં ગામની મસ્જિદમાં નમાજ પઢવા માટે મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય છે પરંતુ આ ગામમાં મસ્જિદ બંધ રાખવાનો ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો હતો. સ્વયં શિસ્ત જાળવીને લોકો પોતાના ઘરે જ નમાઝ પઢી લે છે અને જયારે ખોરાકની વાત આવે ત્યારે શાકભાજી, કરિયાણુ ચાર-પાંચ ઘર દીઠ કોઈ એક વ્યકિત જરૂર પ્રમાણે લાવી આપે છે. અન્ય લોકોના સંપર્કમાં બિનજરૂરી રીતે આવવાનુ ખાસ કરીને ટાળવુ જોઈએ એવી સૌને અપીલ ગામના સરપંચ દ્વારા કરવામાં આવી હતી.

જયારથી કોરોના આવ્યો છે ત્યારથી લોકોએ સ્વયં શિસ્ત જાળવ્યુ અને તેનુ પરિણામ આજે જોવા મળી રહ્યુ છે તેમજ ખાસ કરીને આયુર્વેદિક ઉકાળા વિતરણ અને ઘરે ઘરે જઈને સતત હેલ્થ ચેકઅપ કરવાની કામગીરી આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે. ઉપલેટા આરોગ્ય અધિકારી ડો. હેપી પટેલના જણાવ્યા પ્રમાણે હેલ્થ સેન્ટર આવતા ગામના લોકોને માહિતી, શિક્ષણ અને કમ્યુનિકેશન વિષે જનજાગૃતિ અભિયાન આરોગ્ય ટીમ દ્વારા ચલાવાઈ રહી છે. એ લોકોમાં પણ ખૂબ જાગૃતિ આવી હોય લોકોને કોરોના અંગે સચોટ માર્ગદર્શન, માસ્ક પહેરવાનું પાલન કરવું, સામાજિક અંતર જાળવવું વગેરે જેવી બાબતો સમજાવવામાં આવી રહી છે. ઉકાળા વિતરણ અને ઘરે ઘરે સતત હેલ્થ ચેકઅપ કરવાની પણ કામગીરીથી કોરોનાના કેસ ઓછા છે. સંધી કલારીયા ગામમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો ન હોવાનુ પણ ગૌરવ અનુભવે છે. સંધી કલારીયા ગામ અન્ય ગામો માટે પણ આ પ્રેરણા રૂપ બન્યું છે. 'મારુ ગામ, કોરોના મુકત ગામ' મુખ્યમંત્રીએ જયારે કોરોનાને જડમૂળથી દુર કરવા માટે આદેશ કરાવ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના આ ગામ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે.

(11:44 am IST)