સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th May 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો હાઇ જમ્પ : ૨૪ કલાકમાં ૫૧૪ કેસ : આઠ દર્દીના મોત

જૂનાગઢમાં ૨૩૦ નવા દર્દી : ૩ના મૃત્યુ થયા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૧ : જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ હાઇ જમ્પ લગાવતા ૨૪ કલાકમાં ૫૧૪ કેસ નોંધાયા હતા અને આઠ દર્દીના મોત નિપજ્યા હતા.

કોરોના મહામારીએ ગુજરાતભરમાં માજા મુકી છે. જેમાંથી જૂનાગઢ શહેર અને જિલ્લો પણ બાકાત રહ્યો નથી. રવિવાર કરતા ગઇકાલે કોરોનાના કેસમાં ઉછાળો આવતા જિલ્લામાં નવા ૫૧૪ કેસનો ઉમેરો થયો હતો.

છેલ્લા ૨૪ કલાકમાં જૂનાગઢ જિલ્લામાં ૫૧૪ નવા કેસ આવતા રવિવાર બાદ ૩૦ કેસનો વધારો થયો હતો. જેમાં જૂનાગઢ સીટીમાં કેસનો વધારો નોંધાયો હતો. રવિવારે સીટીમાં ૨૨૭ નોંધાયા બાદ સોમવારે ત્રણ કેસ વધવા પામ્યા હતા.

જૂનાગઢ બાદ સોમવારે જિલ્લામાં સૌથીસ વધુ ૪૪ કેસ કેશોદમાં આવેલ. જૂનાગઢ ગ્રામ્ય-૩૬, ભેંસાણ-૨૮, માળીયા-૪૧, માણાવદર-૨૯, મેંદરડા-૧૬, માંગરોળ-૩૭, વંથલી-૨૮ અને વિસાવદરના ૨૫ મળી કુલ ૫૧૪ કેસ નોંધાતા સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં બેડ ફરી ફુલ થવા લાગ્યા છે.

૨૪ કલાકમાં નોંધાયેલ ૫૧૪ કેસની સામે જૂનાગઢ સીટીના ૧૨૫ મળી જિલ્લામાં કુલ ૨૬૦ દર્દીએ સ્વસ્થતા પ્રાપ્ત કરતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવેલ.

જૂનાગઢ જિલ્લામાં રવિવારે ૧૧ મોત નોંધાયા બાદ ગઇકાલે મૃતાંક ઘટીને આઠ થયો હતો. જેમાં જૂનાગઢ સીટીના ૩ દર્દી, મેંદરડાના બે તેમજ કેશોદ, માળીયા અને વિસાવદરના એક-એક કોવિડ દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતા.

બીજી તરફ જૂનાગઢમાં ગઇકાલે ૧૬૫૧ વ્યકિતનું અને જૂનાગઢ ગ્રામ્યમાં ૩૭૯૯ લોકોનું રસીકરણ થયું હતું.

(11:01 am IST)