સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th May 2019

અમરેલીના ખાંભા રેન્જના ભાવરડી-રાણીગપરા વચ્ચે પથ્થરમાળા ડુંગરા જંગલમાં સિંહણે પ બચ્ચાને જન્મ આપ્યો

અમરેલી: અમરેલી જિલ્લામાં ઉત્તરોતર સિંહોની સખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાની ખાંભા રેન્જમાં એક સિંહણે એક સાથે પાંચ બચ્ચાને જન્મ આપ્યો છે. એકી સાથે પાંચ સિંહ બાળના જન્મ થતા સિંહ પ્રેમીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.

અમરેલીની ખાંભા રેન્જના ભાવરડી અને રાણીગ પરા વચ્ચે પથ્થરમાળા ડુંગરના જંગલની ઘટના છે. પથ્થરમાળા ડુંગરોમાં સિંહણે એક સાથે પાંચ બચ્ચાને જન્મ આપ્યો છે. લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. સામાન્ય રીતે બે-ત્રણ કે ચાર સિંહ બાળ સિંહણના કુખે જન્મતા હોય છે. પરંતુ પાંચ સિંહ બાળનો જન્મ થતા વન વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને વન વિભાગ દ્વારા હાલ સિંહણની દખરેખ કરાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ક્રાકચમાં એક સાથે પાંચ સિંહ બાળનો જન્મ નોંધાયો હતો. ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા બે માસમાં 10થી વધુ સિંહ બાળના જન્મ નોંધાયા છે. જેને જોતા લાગી રહ્યું છે કે, વન વિભાગની સિંહ સંરક્ષણની કામગીરી રંગ લાવી રહી છે. જો કે, ગત સિંહ ગણતરીમાં 511 સિંહો નોંધાયા હતા અને હાલ સિંહોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. તે જોતા આગામી સિંહ વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

(5:01 pm IST)