સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 11th April 2021

કોરોનાએ દંપતીનો ભોગ લીધો : પત્ની બાદ પતિને કોરોના ભરખી ગયો : પુત્ર-પુત્રીએ માતા પિતાની છત્રછાયા ગુમાવી

ગોંડલના આ દંપતીએ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી : તબિયત સુધરતા જામનગરની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા

રાજકોટ જિલ્લાના ગોંડલ ગામમાં જ્યાં કોરોના સંક્રમિત પતિ પત્નીના મૃત્યુના સમયમાં માત્ર ગણતરીની કલાકોનો ફેર રહ્યો છે. ગોંડલના  જેતપુર રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે પાર્થ સ્કૂલ નજીક રહેતા અને સરદાર પાન નામની દુકાન ધરાવતા જીતેન્દ્ર ભાઇ ઠુંમર અને તેમના પત્ની વસંતબેન ઠુંમર એક સપ્તાહ પહેલા કોરોના સંક્રમિત થયા હતા. બંને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોની અંદર સારવાર લીધી હતી. તબિયતમાં સુધારો થતાં તેઓને જામનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ શનિવારના રોજ વસંતબેન ઠુંમરનું નિધન થયું હતું. પત્નીનું મૃત્યુ થયાના ગણતરીના જ કલાકોમાં પતિ જીતેન્દ્ર ભાઇ નું પણ રવિવારે નિધન થતાં પુત્ર અને પુત્રીએ માતા-પિતાની છત્ર છાયા ગુમાવવાનો વારો આવ્યો હતો.આમ કોરોનાના કારણે નાના એવા ભૂલકાઓએ માતા-પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. કોરોના ના કારણે વધુ એક પરિવારનો માળો પિંખાયો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પૂર્વે ગોંડલ શહેરના સ્ટેશન પ્લોટમાં રહેતા જ્યોતિષ ભાઈ બૂચ તેમજ દેવયાની બેન બૂચ 15 દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા હતા. કોરોના સંક્રમિત થતા દંપતીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ કોવિડ હોસ્પિટલ માં દંપતીની સારવાર ચાલતી હતી કે સારવાર દરમિયાન સૌપ્રથમ જ્યોતિષ ભાઈએ દમ તોડયો હતો ત્યારે પતિએ અંતિમ શ્વાસ લીધા બાદ ખુદ તેમના પત્ની દિવ્યાની બહેને પણ 20 મિનિટના અંતરે અનંતની વાટ પકડી હતી. આમ જાણે કે સપ્તપદીના સાત વચનો પૈકી અંતિમ શ્વાસ સુધી એકમેકનો સાથ નિભાવવાનું તેમજ એકમેકના સુખે સુખી અને એકમેકના દુઃખે દુઃખી રહેવાનું વચન દેવયાની બહેને પૂર્ણ કર્યું હતું.

(11:19 pm IST)