સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 11th April 2021

કચ્છમાં કોરોના બેકાબૂ, ૫૨ પોઝિટિવ કેસ, ૨ મોત, અત્યારે ૧૫૯ દર્દીઓ ઓકસીજન પર : ઇન્જેક્શન અને વેન્ટિલેટરની અછત, મોતના મામલે તંત્રના આંકડા સામે સવાલો, ગુરુવારની એક જ રાતમાં ૮ મોત?

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::::કચ્છમાં અત્યાર સુધીમાં એક સાથે રેકર્ડ બ્રેક ૫૨ કેસ સાથે બેકાબૂ બનેલા કોરોના અને તંત્રની લાચારી વચ્ચે લોકો ચિંતિત છે. વધુ ૨ મોત પણ નોંધાયા છે. જોકે, બિન સત્તાવાર રીતે તો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો અને મૃત્યુ આંક વધુ હોઈ શકે છે. તંત્ર સાચા આંકડા અને પારદર્શક કામગીરી અંગે સાચા જવાબો આપવાનું ટાળીને સબ સલામત છે એવું ચિત્ર દર્શાવી રહ્યું છે. તો, કચ્છની નેતાગીરી પણ ક્યાંક ઊણી ઊતરી રહી હોય એવું જણાય છે. બિન સત્તાવાર અહેવાલો મુજબ ગુરુવારની એક રાતમાં જ ભુજની મુખ્ય સરકારી હોસ્પિટલ જીકે જનરલમા ૩૫ દર્દીઓ કોરોનાની સારવાર માટે દાખલ થયા હતા તેમાંથી ૮ ના મોત એક જ રાતમાં થયા હોવાની શંકા છે. જોકે, આંકડા મામલે તંત્રનું ભેદી મૌન ઘણું બધું કહી જાય છે. પોઝિટિવ કેસની વાત કરીએ તો ૫૨ દર્દીઓ સાથે કુલ એક્ટિવ કેસ વધીને ૩૫૦ થયા છે. જેમાં મુખ્ય કોવિડ હોસ્પિટલ જી.કે. માં જ ૧૫૯ દર્દીઓ ઓકસીજન પર છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં આ આંકડો વધુ હોઈ શકે છે. જિલ્લા કલેકટર દ્વારા તબીબો અને કેમિસ્ટ ની બોલાવાયેલી બેઠકમાં બેડ વધારા વિશેની ચર્ચા દરમ્યાન રેમિડીસિવીયર ઇન્જેક્શન અને વેન્ટિલેટર ની અછત વિશે રજૂઆત કરાઈ હતી. જેના જવાબમાં કલેકટર દ્વારા સરકારમાં રજુઆત નું આશ્વાસન અપાયું હતું. કચ્છ અત્યારે કોરોના કાળની કટોકટી માંથી પસાર થઈ રહ્યું છે.

(9:59 am IST)