બામણબોર ટોલનાકા પાસે હોટલમાં ચાના પૈસા બાબતે સંચાલક સંજયભાઇ કોળી પર હુમલો
'ચા આપવામાં કેમ મોડુ થયુ઼ કહી' ચારેય પાઇપથી તૂટી પડયાઃ ગુંદાળાના કાળુ ગમારા સહિત ચાર સામે ગુનો
રાજકોટ, તા. ૧૧ : બામણબોર બંધ થયેલા ટોલનાકા પાસે કનૈયા પરોઠા હાઉસ નામની હોટલમાં ચાના પૈસા બાબતે હોટલ સંચાલક પર ભરવાડ સહિત ચાર શખ્સોએ લોખંડના પાઇપથી હુમલો કરતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ વાંકાનેરના જેપુર ગામમાં રહેતા અને બામણબોર પાસે બંધ થયેલા ટોલનાકા પાસે કનૈયા પરોઠા હાઉસ નામની હોટલ ધરાવતા સંજયભાઇ બાબુભાઇ ત્રબતાણી (ઉ.ર૯) ગઇકાલે પોતાની હોટલે હતા ત્યારે ગુંદાળા ગામનો કાળુ ગમારા તથા ત્રણ અજાણ્યા શખ્સો હોટલે ચા-પાણી પીવા માટે આવ્યા હતા, ત્યારબાદ સંજયભાઇએ તેની પાસે ચાના પૈસા માગતા 'ચા આપવામાં કેમ મોડુ થયું' તેમ કહી કાળુ ગમારા સહિત ચાર શખ્સોએ ગાળો આપી ઉશ્કેરાઇને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ચારેય શખ્સો ભાગી ગયા હતાં. બાદ સંજયભાઇને સારવાર માટે રાજકોટની મધુરમ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે કુવાડવા રોડ પોલીસે સંજયભાઇની ફરીયાદ દાખલ કરી હેડ કોન્સ. હેમરાજસિંહ અને રાઇટર હેમતભાઇએ તપાસ આદરી છે.