સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th April 2018

કેશોદમાં દિપક રાઠોડને અજાણ્યા શખ્સે છરી ભોંકીઃ ગંભીર ઇજા

મજૂરીએ સાથે લઇ જવાની ના પાડતાં ઉશ્કેરાઇ ગયો : દલિત યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૧: કેશોદના ઇન્દિારનગરમાં રહેતાં અને છત ભરવાની મજૂરી કરતાં દિપક પ્રેમજીભાઇ રાઠોડ (ઉ.૨૫) નામના વણકર યુવાનને અજાણ્યા શખ્સે પેટમાં છરી ભોંકી દેતાં ગંભીર ઇજા થતાં કેશોદ, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. તેણે તાલાલા પંથકના એક શખ્સને મજૂરી કામે સાથે લઇ જવાની ના પાડતાં એ શખ્સે છરી ઝીંકી દીધાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.

બનાવ અંગે દિપકના પિતા પ્રેમજીભાઇ રાઠોડે જણાવ્યું હતું કે સાંજે સાડા આઠેક વાગ્યે દિપક બહારથી લોહીલુહાણ હાલતમાં ઘરે આવ્યો હતો અને ઘર નજીક ભરડીયા પાસે તાલાલાના શખ્સે પોતાને છરી મારી દીધાની વાત કરી હતી. તેને મજૂરીએ સાથે લઇ જવાની ના પાડતાં હુમલો થયાનું પણ કહ્યું હતું. દિપક બેભાન થઇ પડી જતાં કેશોદ, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ ખસેડાતાં ઓપરેશનમાં લઇ જવાયો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ કેશોદ પોલીસને જાણ કરતાં ત્યાંથી પોલીસ ફરિયાદ નોંધવા આવી હતી. દિપક ભાનમાં આવ્યે વધુ વિગત બહાર આવશે. તે બે ભાઇમાં નાનો છે.

(11:38 am IST)