સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th February 2019

ભાવનગરમાં ચોરીના ૪ બનાવઃ તસ્કરો ચાર લાખની મત્તા લઇ પલાયન થઇ ગયા

ભાવનગર તા.૧૧: ભાવનગર શહેરમાં ચોરીનાં ચાર બનાવોમાં તસ્કરો રૂ. ૪ લાખની મત્તાની ચોરી કરી નાસી છુટયાની અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

શહેરમાં તસ્કરોની રંજાડ વધી છે તેમ ચોરીનાં બનાવો વધી રહ્યાં છે. ચોરીનાં પ્રથમ બનાવમાં શહેર ચિત્રા વિસ્તારમાં ક્રાઇસ્ટ સ્કૂલ પાસે આવેલ સુખસાગર સોસાયટીમાં પ્લોટ નં. ૧૧૩/૧૧૪માં રહેતા અશ્વીનભાઇ અનંતરાય શુકલનો પરિવાર લગ્ન પ્રસંગે બહારગામ ગયો હતો ત્યારે તેના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ કબાટમાં રાખેલ દાગીના તથા રોકડ મળી કુલ રૂ. ૧૨૫૦૦૦ની મત્તાની ચોરી કરી નાસી છુટયા હતા. આ અંગે ડી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

જયારે બીજા બનાવમાં શહેરનાં મેઘાણી સર્કલ સાંઇબાબાનાં મંદિર નજીક આવેલ નવખંડી ફલેટમાં રહેતાં રમેશભાઇ રૂપચંદભાઇ સીંધીનો પરિવાર પર લગ્નપ્રસંગે બહાર ગયો હતો. ત્યારે તેનાં બંધ મકાનમાં ત્રાટકી તસ્કરોએ રોકડ તથા સોના-ચાંદીનાં ઘરેણાની મળી કુલ રૂ. ૧,૨૦,૪૦૦ની મત્તાની ચોરી કરી હતી. આ અંગે બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

ચોરીના ત્રીજા બનાવમાં શહેરનાં ચિત્રા આશ્રમ પાર્ક પ્લોટ નં.-૪૦માં રહેતા મોહનભાઇ હેમુભાઇ વાઘેલા તેનાં પરિવાર સાથે ચોટીલા દર્શન કરવા ગયા હતા ત્યારે તસ્કરોએ બંધ મકાનમાં ત્રાટકી રોકડ તથા ઘરેણા મળી કુલ રૂ. ૬૨૫૦૦ની મત્તાની ચોરી કરી નાસી છુટયા હતા. આ અંગે ડી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

ચોરીના ચોથા બનાવમાં શહેરનાં ઋષિરાજ નગર દેસાઇનગર પ્લોટ નં. ૧૧૫માં રહેતા દેવેન્દ્રભાઇ અરજણભાઇ મકવાણાનો પરિવાર લગ્નપ્રસંગે બહારગામ  ગયો હતો ત્યારે તસ્કરોએ આ બંધ મકાનમાં ત્રાટકી તાળા તોડી રૂ. ૮૬૫૦૦ની મત્તાનાં દાગીના-રોકડની ચોરી કરી હતી. આ અંગે ડી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

ભાવનગર શહેરમાં ઠંડીને કારણે તથા લગ્ન સીઝનમાં લોકો બહારગામ જતાં હોય પોલીસે પેટ્રોલીંગ સધન કરવા માંગ ઉઠી છે.(૧.૭)

(11:44 am IST)