સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th February 2019

જેન્તી ભાનુશાલી હત્યા કેસ : રેલવે પોલીસની પકડ વોરન્ટની કોર્ટ કાર્યવાહી સામે છબીલ પટેલની આગોતરા જામીન અરજી

ભુજ તા. ૧૧ : જેન્તી ભાનુશાલી હત્યા કેસને એક મહિનો પૂરો થઈ ગયો છે. સીટની ટિમ દ્વારા છબીલ પટેલના બે ભાગીદારો રાહુલ અને નીતિન પટેલની ધરપકડ તેમ જ રિમાન્ડ બાદ તપાસ છબીલ પટેલ તરફ લંબાઈ છે. દરમ્યાન રેલવે પોલીસે છબીલ પટેલની ધરપકડ માટે ભચાઉ કોર્ટમાં કલમ ૭૦ હેઠળ પક્કડ વોરન્ટ માટે અરજી કરી છે. જે અંતર્ગત છબીલ પટેલ દેશમાં અથવા વિદેશમાં જયાં છુપાયા હોય ત્યાંથી તેમની ધરપકડ કરી શકાય.

છબીલ પટેલ વિદેશ માં અમેરિકા હોવાના તેમના પુત્ર સિદ્ઘાર્થ છબીલ પટેલના મીડિયા સમક્ષ નિવેદન બાદ પોલીસ તપાસમાં છબીલ મસ્કત હોવાનું ખુલ્યું હતું. જોકે, અનેક આઈએએસ ઓફિસરો સાથેની સીટની પોલીસ ટિમ ભલે છબીલ પટેલને શોધતી રહી પણ છબીલ પટેલ સોશ્યલ મીડીયા ઉપર સક્રિય હતા. તેમના મેસેજ પણ વાયરલ થયા અને મીડિયામાં ચર્ચાયા. ભચાઉ કોર્ટમાં રેલવે પોલીસ દ્વારા છબીલ પટેલની ધરપકડ માટેની કાર્યવાહી ને પગલે જો છબીલ પટેલ વિદેશ હોય તો પણ રેડ કોર્નર નોટિસનો માર્ગ મોકળો થઈ શકે છે અને ગુજરાત પોલીસ છબીલ સુધી પહોંચી શકે છે.

દરમિયાન પોલીસની કોર્ટ કાર્યવાહી સામે પોતાની ધરપકડ ટાળવા છબીલ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જમીન અરજી કરી હોવાનું જાણવા મળે છે. જોકે, સુનાવણીની તારીખ હજી નક્કી થઈ નથી. પણ, છબીલ પટેલ વતી હાઇકોર્ટમાં એડવોકેટ એસ. કે. પટેલ અને સિનિયર કાઉન્સિલ એ. વી. ઝાલાએ કાનૂની દોર સભાળ્યો છે.(૨૧.૧૩)

 

(11:26 am IST)