સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th January 2021

જામનગરમાં કોરોનાના કેસમાં સતત ઘટાડોઃ સરકારી કોવિડ હોસ્‍પિટલમાં 9પ ટકા બેડ ખાલી

જામનગર: ગુજરાતના જામનગર જિલ્લા અને શહેરના લોકો માટે સારા સમાચાર છે. અહીં કોરોનાની સ્થિતિમાં સુધારો થતાં સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જિલ્લાની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં 95 ટકા બેડ ખાલી છે. એક સમયે અહીં હાઉસફૂલના પાટિયા મારવા પડ્યા હતા, પરંતુ આજે 720 બેડની આ હોસ્પિટલમાં રવિવારે માત્ર 40 દર્દીઓ જ સારવાર હેઠળ હતા.

એક સમયે પ્રતિદિન 100 દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા હતા. આ દર હવે ઘટીને 15 થી 20 સુધી થઈ ગયો છે. જ્યારે સંક્રમિતોની સરખામણીમાં કોરોનાને માત આપીને ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધવાથી બેડ ખાલી થઈ રહ્યાં છે.

જામનગરની જીજી કોવિડ હોસ્પિટલમાં ICU સુવિધા સહિત કુલ 720 બેડમાંતી માત્ર 5 ટકા બેડ પર જ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જ્યારે અન્ય બેડ ખાલી પડ્યાં છે. હોસ્પિટલમાં રવિવારે માત્ર 40 દર્દીઓ જ દાખલ હતા. આ દર્દીઓનો પણ ઑક્સીજન અને બાયપેપની મદદથી સારવાર કરવામાં આવી રહી હતી.

જણાવી દઈએ કે, આજથી 9 મહિના પહેલા મૂળ ઉત્તર પ્રદેશના શ્રમિક પરિવારનો બાળક કોરોના સંક્રમિત થવા પર જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જો કે તે સારવાર દરમિયાન મોતને ભેટ્યો હતો. જે બાદ સતત સંક્રમિતોની સંખ્યા વધતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યો હતુ. કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની સાથે જ વધારાના સ્ટાફને લેવામાં આવ્યો હતો, પરંતુ રોજિંદા દર્દીઓની સંખ્યા વધવા સાથે લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

ICUની સુવિધા સહિત 720 બેડની વ્યવસ્થા કરવા છતાં એક સમયે બેડની સંખ્યા ખૂટી પડતી હતા. જેના કારણે અહીં હાઉસફૂલના પાટિયા મારવા પડતા હતા. જો કે સરકાર તરફથી સતત મોટા પાયે લેવામાં આવેલા પગલાને કારણે હવે કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

(5:32 pm IST)