સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th January 2021

ધારાસભ્ય અંબરીષ ડેરનાં પ્રયત્નોથી જાફરાબાદ -રાજુલા-બાઢડા રોડનાં નવીનીકરણ માટે રૃા. ૨૮.૮૩ કરોડની ફાળવણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૧૧: જાફરાબાદથી ચારનાળા અને હિંડોરણા થી રાજુલા બાયપાસ અને ત્યાં થી રાજુલા-થોરડી-બાઢડા સ્ટેટ હાઈવે ધણાં વર્ષોથી અતિ બિસ્માર હાલતમાં છે. રાજુલા સાવરકુંડલા માર્ગનું ડામર કામ છેલ્લે વર્ષ ૨૦૧૦માં થયેલ હતું તેમજ જાફરાબાદ રાજુલા માર્ગનું ડામર કામ વર્ષ ૨૦૧૩માં થયેલું હતું. છતાં પણ આ માર્ગ ઘણાં સમયથી બિસ્માર હાલતમાં હતો. અને કારણે વાહનચાલકોને અનેક મુશ્કેલીઓ સામનો દરરોજ કરવો પડતો હતો. જે અંગે આ વિસ્તારના યુવા ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા વિધાનસભા ગૃહમાં રજૂઆતો કરવામાં આવી હતી તેમજ રાજયના નાયાબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલને રૃબરૃ મુલાકાત કરી આ માર્ગ નાં નવીનીકરણ માટે જરૃરી રકમ ફાળવવામાં આવે તેવી લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. ત્યારે ધારાસભ્યનાં સતત પ્રયત્નો અને વારંવાર સરકારશ્રીમાં રજૂઆતોનાં પરિણામે આખરે નાયબ મુખ્યમંત્રી દ્વારા જાફરાબાદ થી ચારનાળાનાં માર્ગ માટે રૃ. ૯.૩૬ કરોડ ફાળવ્યા હતા. અને હિંડોરણા જંકશન થી રાજુલા બાયપાસ થી બાઢડા-થોરડી સુધીનાં માર્ગ માટે રૃ. ૧૯.૪૭ કરોડ ફાળવવામાં આવ્યા હતા આમ કુલ મળીને રૃ. ૨૮.૮૩ કરોડની રકમ જાફરાબાદ થી બાઢડા સુધીનાં રોડ રિફરફેસિંગ અને રોડ ફર્નિસિંગની કામગીરી માટે ફાળવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ માર્ગનું કામ પૂર્ણ થતાં રાજુલા વિધાનસભા વિસ્તાર સહિતના અહિયાંથી પસાર થતા વાહનચાલકોને અવરજવરમાં ફાયદો થશે.

(1:05 pm IST)