GJ-4ને કોબડી ટોલનાકા પર છુટ્ટી અપાવવા માટે ચક્કાજામ
અલંગ સોશિયા ટ્રક એસો. દ્વારા આંદોલન
ભાવનગર તા.૧૧ : ભાવનગર તળાજા હાઇવે પર નેશનલ ઓથોરિટી દ્વારા બનાવવામાં આવતા ફોર અને સિક્સ લેન હાઇવે પર કોબડી નજીક ટોલનાકુ ઉભું કરી ઉઘરાવવામાં આવતા ટેક્ષ નો રોજબરોજ વિરોધ થઈરહયો છે. રોજે રોજ અહીં વિવાદ અને ગાળાગાળી થાય છે.રસ્તો પૂરો બન્યો ન હોય જે લોકો ટોલભરે છે તે પણ કચવાતા મને ભરે છે.ᅠ
જેને લઈ ભાવનગર બાર.એસો દ્વારા કાનૂની લડત આપવાની જાહેરાત બાદ આજે અલંગ સોસિયા ટ્રક એસો. મેદાને આવ્યું છે. એસો.ના સુરેશભાઈ જાગીયા એ જણાવ્યું હતું કે સોમવાર સવારે ૮ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી બે કલાક ચક્કાજામનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેને લઈ ટ્રક, ટેમ્પો, આયશર સહિતના વાહન ચાલકો, વાહનના માલિકોને જાણ કરવામાં આવી છેકે વાહન લઈ કોઈએ અલંગ નથી આવવાનું. બધાજ લોકોએ કોબડી ટોલ નાકા પર પહોંચી જવાનું.
એસોસિએશન ની માંગણી છેકે જી.જે ૪ પાસિંગ વાહન હોય,ભાવનગર જિલ્લાનું વાહન હોય તેને રૂપિયા ભરવામાંથી મુક્તિ આપવામાં આવે. સુરેશભાઇ જાગીયા એ ઉમેર્યું હતુંકે પોતાની સાથે અલંગ શિપ બ્રેકર એસો.સહિતના સંગઠનનો પણ ટેકો છે.