સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th January 2021

ગીર-સોમનાથમાં ઉડતા ઉડતા ૪ વિદેશી પક્ષી નીચે પટકાયા

ચીખલીના ફાર્મમાં રોજ ૮-૧૦ મરઘાના મોત : ગીર સોમનાથનું વન વિભાગ સોરઠમાં બર્ડફ્લૂના ભયના પગલે તંત્ર સતર્ક બન્યું : સેમ્પલો ટેસ્ટ માટે મોકલાયા

ગીર સોમનાથ, તા. ૧૦ : રાજ્યાં બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે અત્યાર સુધીમાં ૧૪૦ પક્ષીઓના શંકાસ્પદ મોત થયા છે. ગુજરાતમાં જ્યાં જ્યા પક્ષીઓના મોત થયા છે ત્યાં જાણ કરાતાં વનવિભાગનો સ્ટાફ અને પશુવાનના તબીબો તપાસ માટે પહોંચ્યા છે. ફોરેસ્ટના કર્મચારીઓ મૃત પક્ષીઓના સેમ્પલ લઈ ટેસ્ટ માટે મોકલ્યા છે. જોકે, ગુજરાતમાં હજુ સુધી બર્ડ ફ્લૂનો એક જ કેસ માણાવદરમાં નોંધાયો છે. પરંતુ સાવચેતીના ભાગ રૂપે હાલ રાજ્યના પોલ્ટ્રી ફાર્મમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ રાજ્યનાં વિવિધ પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યાં છે. ત્યારે દહેશત પેદા થઈ છે કે શું ગીર સોમનાથમાં બર્ડ ફલૂએ દેખા દીધી છે?

ડોળાશા ગામે વાડી વિસ્તારમાં ૪ વિદશી કુંજ પક્ષીના મોત થયા છે. મોડી રાત્રે ઉડતા ઉડતા ચારેય વિદેશી પક્ષીઓ ખેતરમાં પડી ગયા હતા. સવારે તેમના મૃતદેહો મળી આવ્યા છે. તો ડોળાશા નજીક ચીખલી ગામે ખેડૂતોના ફાર્મમાં ૧૫૦  જેટલા મરઘાનું મોત થયું છે. આ ફાર્મમાં રોજ ૮ થી ૧૦ મરઘાના મોત થઈ રહ્યા છે. ત્યારે ખેડૂતો દ્વારા વનવિભાગને આ વિશે જાણ કરાઈ છે.  ગીર સોમનાથનું વન વિભાગ સોરઠમાં બર્ડફ્લૂની દહેશતના પગલે તંત્ર સતર્ક બન્યું છે. વન વિભાગ દ્વારા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ શરૂ કરાયું છે. સોમનાથ ત્રિવેણી ઘાટ પર પક્ષીઓને ગાંઠિયા સહિત તરલ ખાદ્યપદાર્થો ખવડાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શિયાળામાં સોમનાથ ત્રિવેણી સંગમ, સુત્રાપાડાના ધામળેજ, લોઢવા બંધારા પર મોટાપ્રમાણમાં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. ત્યારે ચોરવાડથી મૂળ દ્વારકા સુધીની ૧૧ વેટલાઈનો (ખાડીઓ) સહિત ના તમામ સ્થળોએ વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવાયું છે.

(10:02 pm IST)