સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th January 2019

મોરબી જીલ્લા પંચાયતમાં હોદાની લ્હાણી

કારોબારી સમિતિના ચેરમેન તરીકે હેમાંગ રાવલઃ બાંધકામ અને શિક્ષણ સમિતિમાં ખેંચતાણઃ સિંચાઇ સમિતિના ચેરમેન વરણી બાકી

મોરબી તા.૧૧:  મોરબી જીલ્લા પંચાયતમાં પક્ષની આંતરીક ખેંચતાણ અને તકરાર બાદ આખરે બધું સમુસેતરૂ પાર પાડી ગયુ હોય તેમ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવ્યા બાદ આજે ચેરમેનની વરણી કરીને હોદાની લ્હાણી કરવામાં આવી છે. જો કે સિંચાઇ સમિતિના ચેરમેનની વરણી મોકુલ રાખવામાં આવી છે.

મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા, ઉપપ્રમુખ ગુલામભાઇ પરાસરા અને ડીડીઓ એસ.એમ.ખટાણાના અધ્યક્ષ સ્થાને મળેલી કોંગ્રેસ શાસિત જીલ્લા પંચાયતની બેઠકમાં વિવિધ કમિટીઓના ચેરમેનની વરણી કરવામાં આવી હતી. જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે હેમાંગકુમાર રાવલ, જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે કુલસુમબેન બાદી તેમજ જાહેર બાંધકામ સમિતિના ચેરમેન તરીકે મૌખિકમાં આવેલ દીનાબેન કામરીયાના નામને બદલે અમુભાઇ હુંબલની વરણી કરવામાં આવી હતી જેથી અસંતોષ ફેલાયો હતો.

જયારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ચૌહાણ પીન્કુબેન તથા મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે રેખાબેન પટેલની વરણી કરવામાં આવી છે તો શિક્ષણ સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી ના હતી અને પંચાયતના ઉપપ્રમુખ ગુલામભાઇ પરાસરા સદસ્યો હોવાથી શિક્ષણ સમિતિના ચેરમેન બની ગયા છે જો કે ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિના ચેરમેનની વરણી હાલ પક્ષના આદેશ મુજબ મોકુફ રાખવામાં આવી છે હતી બેઠક અડધો કલાક મોડી શરૂ થઇ હતી જો કે અગાઉ ચાલતા આંતરીક ખટરાગ અને ખેંચતાણ આજે પણ જોવા મળી હતી.

કોંગ્રેસનો જૂથવાદ અકબંધ

કોંગ્રેસ પક્ષમાં આંતરિક જુથવાદ અને સત્તાની ખેંચતાણ કોઇ નવી વાત નથી જોકે પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી બાદ સમિતિની રચના સમયે બંને જુથો હવે એક બનીને ૨૦૧૯ના જંગની તૈયારીમાં લાગી જશે તેવો આશાવાદ જોવા મળતો હતો જો કે તે ભ્રમ માત્ર હતો કારણ કે આજે ફરીથી સત્તાની ખેંચતાણ જોવા મળી હતી અને આજે સમિતિના હોદાનો લ્હાનીમાં સત્તાની ખેંચતાણ ઉડીને આંખે વળગી હતી.

પક્ષ સામે બાયો ચડાવનારને મળ્યા હોદા

કોંગ્રેસ શાસિત જીલ્લા પંચાયતમાં અગાઉ પ્રમુખ અને ઉપપ્રમુખ ચુંટણી સમયે પક્ષ સામે બગાવત કરીકે કિશોરભાઇ ચીખલીયાએ પ્રમુખ તેમજ ગુલામભાઇ પરાસરાએ ઉપપ્રમુખ પદ મેળવી લીધુ છે તો પક્ષ સામે બગાવત કરનાર પ્રમુખ-ઉપપ્રમુખ સામે પક્ષાંતર ધારા હેઠળ અરજી કરનાર હેમાંગ રાવલને કારોબારી સમિતિના ચેરમેનનો હોદો મળી ગયો છે જેથી એવું કહી શકાય કે કોંગ્રેસ પક્ષમાં લડી લેનારને જ હોદો મળી શકે છે જેમાં સિનીયોરીટી જેવી બાબતો ગૌણ બની જતી હોય છે.(૭.૧૧)

(11:46 am IST)