સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th January 2019

કાલે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ છે ત્યારે આ જાણવા જેવું...

સ્વામિ વિવેકાનંદજીએ સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં ધ્યાન કર્યું અને ભારતમાં શકિત સંચારનો સંકલ્પ થયો હતો

 પ્રભાસ પાટણ તા.૧૧: સમગ્ર દેવ-વિદેશમાં તા. ૧૨ જાન્યુઆરીએ સ્વામિ વિવેકાનંદજીની જન્મ જયંતિ ઉજવી રહ્યું છે. ત્યારે એ પણ જાણવું રસપ્રદ થશે કે ગુજરાતના જાણીતા લેખક-ઇતિહાસકાર વિષ્ણુ પંડયાની નોંધ પ્રમાણે સ્વામિ વિવેકાનંદજી તેમના તે સયમના સૌરાષ્ટ્ર ભ્રમણ દરમ્યાન જૂનાગઢ, પોરબંદર, જેતલસર, દ્વારકા વિગેરે સ્થળો એથી સ્વામિજી જૂનાગઢથી સોમનાથ ગયા હતા તે સમયે પ્રભાસમાં કચ્છના મહારાજ પણ આવ્યા હતા. આ અંગેની ચોક્કસ તિથી કે તારીખ પ્રાપ્ય નથી પરંતુ તેમના જીવનચરિત્રમાં સોમનાથ યાત્રાનો નિર્દેશ છે. જેમાં સંભવતઃ ૧૮૯૧ના ડીસેમ્બરનો એ સમય હતો ત્યારે સ્વામી વેરાવળથી સમુદ્ર કિનારે આવેલા સોમનાથ સુધી પહોંચ્યા  તે સમયે કોઇ ભવ્ય દેવાલય ન હતું માત્ર ખંડિયેર અને ભગ્નાવશેષો જ હતા. તેમણે વિધ્વંશ અને નિર્માણની આ ઐતિહાસિક ભૂમિને નજરો-નજર નિહાળી અને ભગ્ન દેવાલય જોઇ દરિદ્ર ભારતનું જાણે કે દર્શન થતું હોય તેમ દુઃખ અનુભવ્યું તુરત જ મધ્યાન્હે સોમનાથનો એકાંત અનુભવ નિહાળી સ્વામિ સમુદ્રકિનારા તરફ મોં રાખીને, ખંડિયેરની વચ્ચે એક નાનકડા પત્થર ઉપર બેસી જાય છે અને પલાઠી વાળી, પ્રાણાયામ કર્યા અને ધ્યાન સમાધિસ્થ થઇ ગયા.

એક કલાક સુધી એ સમાધિએ કેવી અનુભૂતિ સર્જી હશે તેની વિગત તો મળતી નથી પરંતુ આ અકિંચન સ્વામીએ ભારત ભાગ્ય વિધાતાની જાગૃતિનું લક્ષ્ય અને ભવ્ય ભારતની છબિ અંતરમનનાં ઊંડાણમાં પ્રતિષ્ઠિત કરી જ હશે તેવું અનુમાન અતિશયોકિત નથી યાદ રહે કે ૧૮૯૨માં કન્યાકુમારી ખડક પર તે સમયના ભારતને જગાડવાનો કરેલ પુરૂષાર્થની તેજશિખા ધારણ કરી હતી તે જ અનુભવ ૧૮૯૧ના ડીસેમ્બરમાં સોમનાથ સાનિધ્યે કર્યો હતો.

વિષ્ણુભાઇ પંડયા ઇતિહાસ-પુસ્તકો અને જુદા-જુદા લોકોની મુલાકાતને આધારે ત્યાં સુધી લખ્યું છે કે, ''સોમનાથ સમક્ષ તેમણે ધરેલ ધ્યાનથી જ હતાશ ભારતમાં શકિત સંચાર સંકલ્પ અનુભૂતિ સમાન હતો જેથી જે પછીનો તેમનો પ્રવાસ ભારતની જનચેતના જગાડવાના રસ્તાની ખોજનો રહ્યો. કન્યાકુમારી પછી શિકાંગો વિશ્વ ધર્મપરિષદ વિદેશયાત્રા આમ સૌરાષ્ટ્ર-સોમનાથ સ્વામીજીના જીવન અને કાર્યનું નિર્ણાયક કેન્દ્ર રહ્યું.(૧.૬)

(10:33 am IST)