સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th December 2022

હળવદના ઢસી રણમાં પતિપત્‍નીનું શંકાસ્‍પદ મોતઃ ત્રણ બાળકો નોધારા

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૧૦ : તાલુકાના ટીકર ગામે રણની ઢસી વિસ્‍તારમાં અગરનું કામ કરતા પતિ પત્‍નીના શંકાસ્‍પદ હાલતમાં મૃતદેહ મળી આવતા દંપતીના ત્રણ બાળકો નોધારા બન્‍યા છે. બનાવની જાણ થતા હળવદ પોલીસે ઘટનાસ્‍થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ હળવદ સરકારી હોસ્‍પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્‍યા હતા.

વિગતો મુજબ ટીકર રણની ઢસી નજીક અગરિયા પરિવારના શૈલેષ નાગરભાઈ અને સરોજબેન શૈલેષભાઈ નામના દંપતિના મૃતદેહ મળી આવતા પરિવારના સભ્‍યોમાં કાળો કલ્‍પાંત છવાયો છે. જો કે ક્‍યાં કારણોસર દંપતીનું મૃત્‍યુ થયું તે અંગેની કોઈ વિગતો બહાર આવી નથી.મૃતક દંપતીને ત્રણ સંતાનો હોય ત્રણેય બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

બનાવની જાણ થતા જ હળવદ પોલીસે ઘટનાસ્‍થળે પહોંચી લાશનો કબજો લીધો હતો અને બન્ને મૃતદેહોને હળવદની સરકાર હોસ્‍પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જોકે બન્નેના મૃતદેહ શંકાસ્‍પદ હોવાથી ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાશે ત્‍યારબાદ જ મોતનું કારણ સામે આવશે. બનાવના પગલે મોટી સંખ્‍યામાં પરિવારજનો હોસ્‍પિટલ ખાતે દોડી આવ્‍યા હતા.

 

(12:02 pm IST)