સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

ધોરાજીમાં ૨૦ વર્ષથી પાણી માટે જીવનું જોખમ ઉઠાવતા નાભીરાજ સોસાયટીના રહીશો

રેલવેના પાટા પાસે પાણીની લાઇન ક્રોસિંગનો પ્રશ્ન.. ધારાસભ્ય અને સાંસદએ પ્રજાપ્રશ્ને આગળ આવવું જોઈએ

ધોરાજી, તા.૧૦: નાભીરાજ સોસાયટી વિસ્તાર ગરીબ અને વંચીતોનો વિસ્તાર ગણાઈ છે. છૂટક મજૂરી કામ કરી પેટ ભરતા આ ગરીબ અને પછાત વિસ્તાર પરત્વે તમામ રાજકીય પક્ષોએ દુર્લક્ષ સેવ્યું છે. ચૂંટણીઓ ના સમયે આ વિસ્તારના લોકોને આંબા-આંબલી બતાવી મતો મેળવી લીધા બાદ એકપણ રાજકીય પક્ષ ના નેતાઓ આ તરફ ફરકતા નથી. ભાજપ હોય કે કોંગ્રેસ બન્ને પક્ષોના શાસનમાં આ ગરીબ પરિવારના પાણી પ્રશ્ને છેલ્લા ૨૦ વર્ષથી ઉદ્ઘાર થયો નથી.

૨૦ વર્ષથી આ વિસ્તારમાં ૪૦ થી ૫૦ પરિવારોને પીવાનું પાણી ભરવા વૃધો, મહિલાઓ અને બાળકોએ રેલવે લાઇન ક્રોસ કરી જીવનું જોખમ વ્હોરવું પડે છે.

આ પછાત વિસ્તારમાં વસવાટ કરતા વંચિતો એ જણાવેલકે અમે ગરીબ જરૂર છીએ પરંતુ એક આમ નાગરિક તરીકે ફરજ બજાવી ં મિલ્કતવેરો, શિક્ષણ ઉપકર નિયમિત ભરીએ છીએ. જેની રાશીદો પણ મોજુદ છે. સમગ્ર શહેરમાં સારા વિસ્તારોમાં પ્રાથમિક આવશ્યક પ્રશ્ને પાલિકા ધ્યાન આપે તો અમારા ગરીબ પરિવારો સાથે કેમ ઓરમાયું વર્તન ? અમે પણ કરવેરો ભરીએ છીએ.

પાણીની લાઇન રેલવે લાઇન ક્રોસ કરવા માટે રેલવેની જરૂરી મંજૂરીઓ જોતી હશે પરંતુ એ માટે ધારાસભ્ય કે સાંસદ એ આગળની કાર્યવાહી કરવી જોઈએ..ઙ્ગ

રાજકીય પક્ષો અને તેના નેતાઓ વિકાસ અને સમતોલ વિકાસના બણગા ફૂંકે છે. પરંતુ અમારી વર્તમાન સ્થિતિ રાજકીય નેતાઓની સ્પષ્ટ રીતે પોલ ખોલી રહી છે.

મળતી વિગતો પ્રમાણે પાલિકાએ રેલવે પાસે મંજૂરી મેળવવા કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ એક વાત એ પણ સત્ય છે કે મંજૂરીઓના કાગળો અને પ્રક્રિયાઓ વચ્ચે ગરીબ માણસ પીસાઈ રહ્યો છે. અને જીવના જોખમે પીવાનું પાણી મેળવવા સંદ્યર્ષ કરી રહ્યો છે. ત્યારે આ લોકોની વ્યથા અને પ્રશ્નોનું નિરાકરણ આવશે કે હજુ નાભીરાજ વિસ્તારના રહીશો એ કાયમી મુશ્કેલી વેઠવા મજબૂર થવું પડશે તે આવનારો સમય જ કહી શકે છે.

(1:11 pm IST)