સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

એન્ટ્રી ડમ્પિંગ ડયુટીના ભયથી

મોરબીના સિરામિક એકમોએ અખાતના દેશોમાં નિકાસ અટકાવીઃ નવા નિયમો નડશે

ગયા વર્ષે અખાતના દેશોમાં રૂ.૪૦૦૦ કરોડની નિકાસ કરી'તીઃ ચાલુ વર્ષે રૂ.ર૦૦ કરોડની થઇ

મુંબઇ તા.૧૦ : ગલ્ફ દેશોમાં તોળાઇ રહેલી ભારેખમ એન્ટિ ડમ્પિંગ ડયુટીની આશંકાના પગલે ભારતના સૌથી મોટા સિરામિક હબ મોરબીના યુનિટોએ હાલમાં નિકાસ અટકાવી દીધી છે. ઉદ્યોગને નવા ઓર્ડર મળી રહ્યા છે. પરંતુ ગમે તે ક્ષણે ૪ર ટકા જેટલી ઉંચી એન્ટિ ડમ્પિંગ ડયુટી લાગુ થવાના ભયથી ઉદ્યોગ તે ઓર્ડર પર કામ કરવાની તૈયારી ધરાવતો નથી. સ્થાનિક બજારમાં માંગ તળિયે છે ત્યારે નિકાસ મોરચે સૌથી વધુ યોગદાન આપતા ગલ્ફ દેશોમાં એન્ટિ ડમ્પિંગ ડયુટી લાગુ થાય તો ઉદ્યોગની સ્થિતિ કફોડી બનશે એવી ભીીત અગ્રણીઓ વ્યકત કરી રહ્યા છે.

ગલ્ફ કોઓરેશન કાઉન્સિલ (જીસીસી) એ ઇરાક સિવયાના છ આરબ દેશોનું રાજકીય અને આર્થિક યુનિયન છે અને તેમાં બહેરીન, સાઉદી અરેબિયા યુનાઇટેડ આરબ અમિરાત, કુવૈત, કતાર અને ઓમાનનો સમાવેશ થાય છે. જીસીસી દેશોના કુલ સિરામીક ઉત્પાદનમાં ૩ર ટકા યોગદાન આપતી સાઉદી સિરામીકસ અને અલ્ફાનાર સિરામિક એન્ડ પોર્સેલિન ફેકટરીએ ગયા વર્ષે કરેલી ફરિયાદના આધારે જીસીસીએ ભારતીય, ચાઇનીઝ અને સ્પેનિશસિરામીક કંપનીઓ અંગે તપાસ હાથ ધરી હતી.

મોરબી સિરામીક એસોસીયેશનના સેક્રેટરી મનીષ સવસાનીએ જણાવ્યું હતું કે, ''ભારતીય સિરામિક ઉદ્યોગ પર ૪ર.૯ ટકા એન્ટિ ડમ્પિંગ ડયુટી લાગુ થવાની શકયતા છે. જો કે, ડયુટી નકકી કરવાનાં ધારાધોરણોમાં ખાી હોવાના મુદ્દે અમે ભારત સરકારમાં રજુઆત કરી છે અને ેવાણીજ્ય મંત્રાલયે આપણા મુદ્દા મજબુત કરીતે રજુ કર્યા છે.''

મોરબી ભારતું સૌથી મોટુ સિરામિક ઉત્પાદક છે. અને અહીંના ૮પ૦ યુનિટ પૈકી લગભગ ૪૦૦ યુનિટ નિકાસ મોરચે સક્રિય છે. મોરબીએ ગયા વર્ષે લગભગ રૂ.૧ર,૦૦૦ કરોડની સિરામિક નિકાસ કરી હતી જેમાંથી ગલ્ફ દેશોમાં રૂ.૪,૦૦૦ કરોડની નિકાસ થઇ હતી. ચાલુ નાણાકીય વર્ષમાં પણ સપ્ટેમ્બર મહિના સુધીમાં ગલ્ફ દેશોમાં રૂ.ર,૪૦૦ કરોડની નિકાસ થઇ હતી. પરંતુ ત્યાર બાદ એન્ટિ ડમ્પિંગ ડયુટીના વચગાળાના રિપોર્ટમાં ૪૩ ટકા ડયુટીની સંભાવના ઉભી થયા બાદ મોટા ભાગના યુનિટોએ નિકાસ અટકાવી દીધી છે. સવસાણીએ જણાવ્યું હતું કે જીસીસીએ એન્ટિ ડમ્પિંગ ડયુટીનો વચગાળાનો અહેવાલ આપ્યો છે તેમાં ચાઇનીઝ પ્રોડકટસ પર ર૩ ટકા ડયુટીનો પ્રસ્તાવ છે. અને જો તેમ થાય તો ભારતીય સિરામિક ઉદ્યોગ માટે ગલ્ફ દેશોમાં નિકાસ કરવી લગભગ અશકય બની જશે. ભારતીય સિરામીક પ્રોડટકસ પર ઓછી ડયુટી લગાવવા માટે સરકારના સ્તરેથી વિસ્તૃત વાટાઘાટ કરવામાં આવી રહી છે. ''તેમણે જણાવ્યું હતું કે સ્થાનીક બજારમાં સિરામિકની માંગ તળિયે છે અને ઉદ્યોગનું ઉત્પાદન ૩૦ ટકા ઘટયું છે. ત્યારે જો ગલ્ફ દેશોમાં નિકાસ અટકે તો ઓછા વોલ્યુમમાં ઉદ્યોગનુ સંચાલન મુશ્કેલી બનશે.''

મોરબી સિરામીક એસોસીયેશનના પ્રમુખ નિલેશ જેતપરીયાએ જણાવ્યું હતું કે, ''ગલ્ફ દેશોએ એવો નિયમ બનાવ્યો છે. કે ત્યાંથી સંસ્થા દ્વારા અપાતુ કવોલિટી લાઇસન્સ ધરાવતા ઉત્પાદકો જ ગલ્ફ દેશોમાં નિકાસ કરી શકશે. હાલમાં યુનિટો આ લાઇસન્સ મેળવવા માટે પ્રક્રિયા કરી રહ્યા છે. અને ગણતરીની કંપનીઓને જ આ  લાઇસન્સ મળ્યું છે. આ લાઇસન્સ મેળવવાની ફી પણ ઉંચી છે. જો કે, એન્ટિ ડમ્પિંગ ડયુટી ગમે ત્યારે લાગુ થવાના ભયથી હાલમાં તો મોટા ભાગના યુનિટોએ નિકાસ અટકાવી દીધી છે.''

(12:07 pm IST)