સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

ચેરીયાના નિકંદન અંગે કચ્છના માલધારીઓની ફરિયાદને પગલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની રૂબરૂ તપાસથી હલચલ

કચ્છમાં જ જોવા મળતા ખારાઈ ઊંટના (દરિયામાં તરી શકે, રણમાં ચાલી શકે તેવા ઊંટ) ખોરાક એવા ચેરીયાનો નાશ, કંડલા પોર્ટ અને મીઠાના ઉત્પાદકો સામે ભચાઉ પંથકના ઊંટ ઉછેરકોની ફરિયાદ

 ભુજ, તા.૧૦: કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા છેલ્લા દ્યણા સમયથી દરિયાઈ ભચાઉ પંથકની દરિયાઈ ક્રિકમાં ચેરીયા સહિતના પર્યાવરણના થઈ રહેલા નિકંદન સામે કાનૂની લડત ચલાવાઈ રહી છે. આ અન્વયે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા માલધારી સંગઠનની રજૂઆતને માન્ય રાખીને કંડલા પોર્ટ દ્વારા દરિયાઈ ક્રિક પુરવા સામે તેમ જ આ વિસ્તારમાં મીઠાના અગરોની લિઝ આપવા કલેકટરને સમીક્ષા કરીને પર્યાવરણની જાળવણી કરવાનો હુકમ કર્યો હતો. દરમ્યાન વન વિભાગ દ્વારા પણ પર્યાવરણની ઉપેક્ષા થતી હોવાનો આક્ષેપ માલધારી સંગઠને કર્યો છે. ખાસ કરીને ભચાઉના નાની ચીરઈ, મોટી ચીરઈ, વોંધના દરિયાઈ ખાડી વિસ્તારના ૧૦ કિલોમીટરમાં આવેલ હડાકિયા, નાની બેડી, મોટી બેડી, ભોજવારી, હેમાતવારોમાં થતાં ચેરીયા એ ખારાઈ ઊંટનો ખોરાક છે. ખારાઈ ઊંટ માત્ર કચ્છમાં જોવા મળે છે, તે રણમાં ચાલી શકે છે તેમ જ દરિયામાં પણ તરી શકે છે. ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા કંડલા પોર્ટ તેમ જ મીઠાના અગરો દ્વારા બંધ પાળા બનાવવાની સાથે ખાડી વિસ્તારમાંથી ચેરીયાઓનો નાશ કરાઈ રહ્યો છે. વન્ય સંરક્ષણ ધારા ૧૯૮૦ નો ભંગ કરીને આ કામ થઈ રહ્યું હોવાનું જણાવાયું છે. ઊંટ ઉછેરક સંગઠનની આ ફરિયાદને પગલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ની ત્રણ અધિકારીઓની તપાસ ટીમ કચ્છ આવી રહી છે. તેઓ કચ્છમાં રોકાઈને ભચાઉ ક્રિક વિસ્તારમાં રૂબરૂ તપાસ કરશે. જોકે, આ તપાસ ટીમની મુલાકાત સમયે મૂળ ફરિયાદી એવા ઊંટ ઉછેરક માલધારી સંગઠનને બાકાત રખાયું છે.

(12:04 pm IST)