સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

દુપટ્ટો પેન ચાવી મોબાઇલ જેવી વસ્તુઓનો હથિયાર તરીકે ઉપયોગ કરી બહેનો સ્વ બચાવ કરી શકે

પોરબંદર જિલ્લાની ૨૧૯ શાળાઓમાં સ્વ બચાવની તાલીમઃ ૮ હજારથી વધુ વિદ્યાર્થીનીઓને લાભ

પોરબંદર તા. ૧૦: મહિલાઓ પર થતા અત્યાચારને રોકવા માટે સર્વ શિક્ષા ગર્લ્સ એજયુકેશન યુનિટ હેઠળ ધો. ૬ થી ૧૨ સુધીની વિધાર્થિનીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લાની ૨૧૯ શાળાઓમાં ૮ હજાર જેટલી વિધાર્થિનીઓ સ્વબચાવની તાલીમ લઇ રહી છે.

કડીયા પ્લોટ પ્રા. શાળાની ધો. ૮ ની વિધાર્થિની મોઢવાડીયા માલતીએ કહ્યુ કે, મુસીબતનાં સમયે કોઇ અચાનક હુમલો કરે તો શું કરવું ?  સ્વબચાવ કઇ રીતે કરવો ? તેના વિશે કરાટે નિષ્ણાંત મહેશભાઇ મોતીવરસ અને અંજલીબેન ગંધરોકીયા માર્ગદર્શન અને તાલીમ આપી રહ્યા છે. જે ઉપયોગી તાલીમ છે. તાલીમ મેળવી રહેલી વિધાર્થિની કડછા ધારાએ કહ્યુ કે, અચાનક કોઇ હુમલો કરે તો વિવિધ પંચ, કીક દ્રારા તથા જોરથી અવાજ કાઢીને તથા ગુસ્સાથી આંખો કાઢીને પણ પ્રતિકાર કરી શકાય તથા દુપટ્ટો, પેન, ચાવી, મોબાઇલ વગેરે જેવી વસ્તુઓનો હથિયાર તરીકે ઉપયોગ કરીને મુસીબતનાં સમયે સ્વબચાવ થઇ શકે તે વિશે હું માર્ગદર્શન અને તાલીમ મેળવી રહી છુ.

ગર્લ્સ એજયુકેશન ઓફિસર વૈશાલિબેન પટેલે જણાવ્યુ કે, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીનાં માર્ગદર્શન હેઠળ વિધાર્થિનીઓ સ્વબચાવ માટેની સરકારશ્રીની આ યોજનાનો અમલ થઇ રહ્યો છે. મુસીબતના સમયે મહિલાઓ સ્વબચાવ કરી શકે અને પુરી હિંમત તથા આત્મવિશ્વાસથી પ્રિતકાર કરી શકે તે માટે રાજય અને કેન્દ્ર સરકાર દ્રારા વિવિધ સેમીનાર, કાર્યક્રમો તથા કેમ્પ યોજાતા હોય છે. પોરબંદર જિલ્લાની ૨૧૯ શાળાઓમાં ૮ હજાર થી વધુ વિધાર્થિનીઓ સેલ્ફ ડિફેન્સની તાલીમ ઇન્ટરનેશનલ શોટોકોન કરાટે એસોશીએસન એજન્સીનાં નિષ્ણાંતો દ્રારા મેળવી રહી છે. આ માટે શાળા દીઠ રૂ. ૯ હજાર સરકારે ગ્રાન્ટ આપી છે. આ તાલીમમાં વિધાર્થિનીઓને કરાટેનું સમાન્ય જ્ઞાન તથા તાલીમ આપવામાં આવી રહ્યી છે. તેના માટે પોરબંદર જિલ્લામાં સરકારે  રૂ. ૧૯ લાખથી વધારે નું ફંડ પુરૂ પાડ્યુ છે.

કરાટેનાં મુખ્ય પ્રશીક્ષક કેતન કોટીયાએ જણાવ્યુ કે, વિધાર્થિનીઓ મુસીબતનાં સમયે ખુબજ સરળતાથી સ્વબચાવ કરી શકે તથા પોતાની પાસે રહેલી પેન, બુકસ, મોબાઇલ, ચાવી, દુપટ્ટા વગેરે વસ્તુઓનો હથિયાર તરીકે ઉપયોગ કરી શકે તે માટેનું માર્ગદર્શન આપવાની સાથે શરીર શરીર તંદુરસ્ત કઇ રીતે રાખવુ ? આત્મવિશ્વાસ દ્રારા સ્વબચાવ કરવો તેના વિશે વિધાર્થિનીઓને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે.

કરાટે નિષ્ણાંત મહેશભાઇ અને અંજલી બહેને કહ્યુ કે, શાળામા ૧૨ દિવસ સુધી ચાલનારી આ તાલીમમાં કરાટે પંચ, બ્લોક (કોઇ મારે તો બચાવ કેમ કરવો) સેલ્ફ ડિફેન્સની તાલીમ જેમા કોઇ કોલર પકડે તો શું કરવુ ? હાથ પકડે તો સ્વબચાવ કેમ કરવો, કોઇ વાળ ખેચે તો બચાવ કેમ કરવો એમ અલગ અલગ ૧૦ પ્રકારની સેલ્ફ ડિફેન્સ શીખવવામાં આવે છે. મહિલાઓ પર થતા અત્યાચારોનો તત્કાલ સામનો કરવા મહિલાઓ સક્ષમ બને તે ખુબ જ જરૂરી છે. હુમલાખોરોનો સામનો કરવા માટે નાની બાળાઓને કરાટે તથા સેલ્ફ ડિફેન્સની તાલીમ આપીને સ્વબચાવ માટે તૈયાર કરી શકાય છે. આ પ્રકારની તાલીમથી વિધાર્થિનીઓના આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે.

કીક ટ્રેનીંગ, ફિન્ગર એટેક, ચોકસ એટેક, સુટો એટેક, એલ્બો એટેક વગેરે ટેકનીકનો ઉપયોગ કરીને મુસીબતનાં સમયે સ્વબચાવ કરી શકાય છે. આમ પોરબંદર જિલ્લાની ધો. ૬ થી ધો. ૧૨ની વિધાર્થિનીઓ સ્વબચાવની તાલીમ શીખી રહી છે.

(11:54 am IST)