સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

જામનગરમાં પુ.જલારામબાપાની ૨૨૨મી જન્મ જયંતિ નિમિત્તે શહેરના વિવિધ ૩૬થી પણ વધારે સ્થળો પર કોરોના ગાઇડલાઇન મુજબ મહાપ્રસાદ વિતરણનું વિશિષ્ટ આયોજન

જલારામ સેવા ટ્રસ્ટ-શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર તેમજ શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા શ્રી જલારામ મંદિર હાપાના ૨૫ વર્ષ પૂર્ણ થવાની કરાશે ઉજવણી

જામનગર, તા.૧૦: જામનગરમાં આવતીકાલે ૧૧મી તારીખે ગુરુવારે સંત શિરોમણી પુજ્ય જલારામ બાપાની ૨૨૨મી જન્મ જયંતિ નિમિત્તે જલારામ બાપાના સુત્ર 'દેને કો ટુકડા ભલો, લેને કો હરિનામને સાર્થક કરાવવા માટે દરેક જલારામભકતો સુધી પૂજ્ય જલારામબાપાનો મહાપ્રસાદ પહોંચાડવાના સંકલ્પરૂપે  જલારામ જયંતિ મહોત્સવ સમિતિ તરફથી સમગ્ર જામનગર શહેરના ૩૬ થી પણ વધારે સ્થળો પરથી એકી સાથે મહાપ્રસાદ વિતરણનો અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જામનગરની સેવાભાવી સંસ્થા શ્રી જલારામ સેવા ટ્રસ્ટ - શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ તથા જલારામ મંદિર-હાપા દ્વારા ચલાવાતા અન્નક્ષેત્રના રપ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર શહેરમાં આ મહાપ્રસાદ વિતરણનું અનોખુ આયોજન કરવામાં આવ્યું છે. જામનગર નજીક હાપા સ્થિત જલારામ મંદિરમાં ચલાવી રહેલા અન્નક્ષેત્રની રપ વર્ષની ઉજવણીની સાથે સાથે આવતીકાલે ગુરુવારે સંત શિરોમણી પુજ્ય જલારામ બાપાની ૨૨૨મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે જામનગર શહેરના ૩૬થી પણ વધારે સાથલો ઉપરથી કોવીડ ગાઈડલાઇન ને અનુસરી મહાપ્રસાદ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

''છોટી કાશી''ના તમામ જલારામ ભકતોને ઘેર ઘેર સુધી મહાપ્રસાદ કોવીડ ગાઈડલાઇન સાથે પહોંચી શકે, તેના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે. આ દરેક સ્થળો પર બપોરે ૧૨ વાગ્યે એકી સાથે સૌપ્રથમ જલારામ બાપાની આરતી કરવામાં આવશે, અને ત્યાર પછી પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સર્વશ્રી જીતુભાઈ લાલ, રમેશભાઈ દત્તાણી, મનોજભાઈ અમલાણી, ભરતભાઇ મોદી, ભરતભાઇ કાનાબાર, અતુલભાઇ પોપટ, રાજુભાઈ કોટેચા, રાજુભાઈ મારફતિયા, અનિલભાઈ ગોકાણી, રાજુભાઈ હિંડોચા, નિલેશભાઈ કક્કડ, મધુભાઈ પાબારી તથા મનીષભાઈ તન્ના સહિતના તમામ કાર્યકરો આ મહાપ્રસાદ વીતરણના આયોજનને આખરી ઓપ આપવામાં તનતોડ મહેનત કરી રહ્યા છે. જામનગરના તમામ જલારામ ભકતો આ મહાપ્રસાદના આયોજનનો લાભ લેતેવો અનુરોધ કરાયો છે.

(1:11 pm IST)