સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

જેતપુર સ્વામીનારાયણ ગાદીસ્થાનમાં શનીવારે ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિ

સ્વામિનારાયણ ગાદી સ્થાનના રર૦ માં પટ્ટાભિષેકનો રમેશભાઇ ધડુક (સાંસદ) ના હસ્તે પ્રારંભઃ સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય પોથીયાત્રા યોજાઇ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૦ :.. શહેરના સ્વામિનારાયણ ગાદી સ્થાન તીર્થધામમાં શ્રી સહજાનંદ સ્વામીએ ગાદી  સંભાળી તેને રર૦ વર્ષ પુર્ણ થતા હોય તેમજ મંદિરમાં નુતન સભા મંડપ, પ્રવેશદ્વાર, સંત આશ્રમ, મહિલા મંદિરનું લોકાર્પણ સાથે ભકત ચીંતામણી સપ્તાહ પારાયણનું ભવ્ય આયોજન પ.પૂ. નિલકંઠ ચરણદાસજીસ્વામીની પ્રેરણાથી થઇ રહ્યુ હોય. આ સાત દિવસના મહોત્સવનો પ્રારંભ પોથીયાત્રા થી થયેલ. સત્યમ પાર્ક, અમરનગર રોડ ખાતેથી સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય પોથીયાત્રા મુખ્ય માર્ગો પરથી પસાર થયેલ જેમાં બહોળી સંખ્યામાં હરી ભકતો જોડાયા હતાં.

પોથીયાત્રા ઉત્સવ સ્થળ પાંભરવાડી ખાતે પુર્ણ થતા ઉપસ્થિતી સંતો-સાંસદ રમેશભાઇ ધડુક, પ્રશાંતભાઇ કોરાટ, મનસુખભાઇ ખાચરીયા, લલીતભાઇ રાદડીયા, ગાલાણી પરીવાર, સહિતના ઉપસ્થિતી આગેવાનોના કર કમળો હસ્તે દિપ પ્રાગટય કરી ઉદઘાટન કરેલ. ભકત ચીંતામણી સપ્તાહનું અમૃત પાન પ.પૂ. શ્રી વિવેક સાગરદાસજી સ્વામીએ કરાવેલ. વડતાલ બોર્ડના ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી સ્વામીની વ્યાખ્યાન માળા યોજાયેલ. સૌરાષ્ટ્રભરના મંદિરોના સંતોની ઉપસ્થિતીથી વાતાવરણ આખુ ભકતીમય બની ગયુ હતું. રાત્રે કોમેડીયન નીતીનભાઇ જાની ઉર્ફે ખજૂરભાઇનો કાર્યક્રમ યોજાયેલ.

આજરોજ સવારે ૮.૩૦ કલાકે પ.પૂ. નીલકંઠ ચરણદાસજી સ્વામી દ્વારા શ્રી ગુણાતીત સત્સંગ શીબીરનો પ્રારંભ કરવામાં આવેલ. આજથી યજ્ઞની શરૂઆત કરાઇ ૭પ કુંડીના યજ્ઞમાં ૩૦૦ યજમાનો લાભ લેશે. તા. ૧૩ ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ હાજર રહેશે.

(1:11 pm IST)