સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

જસદણના બરવાળાની પાર્વતિબેનને કુટુંબી ભત્રીજા અર્જુને બાંધી દઇ ઝેર પાઇ દીધું: રાજકોટમાં મોત

સરધારના લોધીડાથી ૮મીએ પ્રસંગ પતાવી પરત જઇ રહેલા મુળ દહીંસરાના મહિલાને જસદણમાં ભત્રીજો મળી જતાં તેને અગાઉ રૂ. ૨૦ હજાર ઉછીના આપેલા તે પાછા માંગતા ભત્રીજો ઘરે લઇ જવાને બહાને સીમમાં લઇ ગયો ને બાંધી દઇ દવા પાઇ દીધાનો આક્ષેપ : ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશેઃ કોળી મહિલાના મોતથી ત્રણ સંતાન મા વિહોણાઃ પરિવારમાં કલ્પાંત

પાર્વતીબેન સાકરીયાનો નિષ્પ્રાણ દેહ અને વિગતો જણાવતાં તેના ભાણેજ ભાવેશ તથા પતિ વિઠ્ઠલભાઇ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૧: મુળ જસદણના દહીંસરાની વતની અને હાલ જસદણના બરવાળાના પાટીયા પાસે ભાગીયુ રાખ્યું હોઇ ત્યાં પરિવાર સાથે રહેતી પાર્વતિબેન વિઠ્ઠલભાઇ સાકરીયા (કોળી) (ઉ.વ.૪૫) નામની મહિલાને ગત ૮/૧૧ના રોજ ઝેરી અસર થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોતાને કુટુંબી ભત્રીજા અર્જુને જસદણની સીમમાં લઇ જઇ બાંધી દઇ ઝેર પાઇ દીધાનો તેણીએ જે તે વખતે આક્ષેપ કર્યો હોઇ પોલીસે નિવેદન નોંધ્યું હતું. સારવાર દરમિયાન આજે વહેલી સવારે પાર્વતીબેને રાજકોટમાં દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે.

પાર્વતીબેન વિઠ્ઠલભાઇ સાકરીયા (ઉ.૪૫)ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પરમ દિવસે સારવાર માટે ખસેડાઇ હતી. અહિ તેણીએ જણાવ્યું હતું કે પોતાને ૮મીએ સાંજે જસદણમાં કુટુંબી ભત્રીજા અર્જુને તેના ઘરે લઇ જઇ ઝેરી દવા પાઇ દીધી હતી. આ મુજબના આક્ષેપ સાથેની એન્ટ્રી હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસમાં નોંધાવતાં પોલીસ નિવેદન લેવા પહોંચી હતી.

તે વખતે પાર્વતીબેને પોલીસને કહ્યું હતું કે તેણી ભત્રીજાના સગાઇ પ્રસંગે ૮મીએ સરધારના લોધીડા ગામે આવી હતી. ત્યાંથી પરત બરવાળા જતી વખતે સાંજે મોડુ થઇ ગયું હોઇ સરધારથી જસદણ સાંજે સાતેક વાગ્યે પહોંચી હતી. ત્યારે પોતાને ત્યાં મેઇન બજારમાં કુટુંબી ભત્રીજો અર્જુન બીજલભાઇ સાકરીયા મળી ગયો હતો. તેને અગાઉ પોતે રૂ. ૨૦ હજાર ઉછીના આપ્યા હોઇ તેની ઉઘરાણી કરતાં ભત્રીજો ચાલો મારા ઘરે તમને પૈસા આપી દઉ તેમ કહી ઘરે લઇ જવાને બદલે સીમમાં લઇ ગયો હતો અને ત્યાં પોતાને બાંધી દઇ ઝેરી દવા પાઇ દીધી હતી. બીજા દિવસે હું છુટીને રોડ પર પહોંચી હતી અને ભાણેજ ભાવેશ તથા પુત્ર ઝવેરને હું વીરનગર લાખાવડના રસ્તે હોવાનું અને મને દવા પાઇ દીધાનું કહેતાં આ બંનેએ આવીને મને હોસ્પિટલે ખસેડી હતી.

જે તે વખતે પાર્વતીબેને ઉપરોકત કેફીયત જણાવતાં પોલીસે પ્રાથમિક નિવેદન નોંધ્યું હતું. દરમિયાન આજે તેણીએ દમ તોડી દેતાં પોલીસે આક્ષેપોમાં કેટલુ તથ્ય છે? તેની તપાસ શરૂ કરી છે અને મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવા તજવીજ હાથ ધરી છે.

પાર્વતીબેનના પતિ વિઠ્ઠલભાઇ મેરામભાઇ સાકરીયા યાર્ડમાં મજૂરી કરે છે. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. ભાણેજ ભાવેશે જણાવ્યું હતું કે મામી માસી પાર્વતીબેને અગાઉ કુટુંબી ભત્રીજા અર્જુનને ઉછીની રકમ આપી હતી. એ પાછી માંગતા અર્જુને દવા પાઇ દીધાનું જે તે વખતે માસીએ જ જણાવ્યું હતું. અમે ૮મીએ રાતે તેને ફોન કર્યો હતો. પણ ફોન બંધ આવ્યો હતો. તે ત્યારે જેઠના ઘરે રોકાઇ ગયાનું સમજી વધુ ફોન કર્યા નહોતાં. ત્યાં બીજા દિવસે માસીએ સામેથી ફોન કરી પોતાને ભત્રીજાએ દવા પાઇ દીધાનું કહ્યું હતું. જસદણ પોલીસે આ બનાવમાં ખરેખર તથ્ય શું? તે જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(11:37 am IST)